ગુજરાત
News of Wednesday, 10th February 2021

સુરતમાં PAASના સમર્થનમાં કોંગ્રેસના એક જ પાટીદારે ફોર્મ ખેંચ્યું

જ્યોતિ સોજિત્રા અને કાનજીભાઈ દ્વારા ઉમેદવારી પત્રક પરત ખેંચવામાં આવતા કોંગ્રેસ આ વોર્ડની લડાઈમાંથી આપમેળે બહાર થઈ ગઈ

સુરત : સુરત કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિરોધ અને પાસ સાથે ચાલી રહેલા ગજગ્રાહ મામલે પાસના સમર્થનમાં માત્ર એક જ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. કોંગ્રેસ ઉમેદવાર જ્યોતિ સોજીત્રાએ પાર્ટીના વલણથી નારાજ થઈને પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધુ છે.

   કોંગ્રેસ અને પાટીદાર સમાજ માટે મંગળવારનો દિવસ ખૂબ જ તનાવપૂર્ણ રહ્યો હતો. પાસ નેતાઓએ કોંગ્રેસ પર ટિકિટ વહેંચણીમાં પોતાની માંગને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવી પાટીદાર સમાજના ઉમેદવારોને નામ પરત ખેંચી લેવાની અપીલ કરી હતી. જો કે પાટીદાર સમાજના ઉમેદવારોએ પહેલા જ પાસની આ અપીલને ફગાવી દીધી હતી. આમ છતાં સૌ કોઈની નજર ઉમેદવારી પત્રક પરત કરવાની છેલ્લી ઘડી સુધી તેમની દરેક હિલચાલ પર હતી. કોંગ્રેસે પણ ઉમેદવારોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આમ છતાં મહિલા કોંગ્રેસની પૂર્વ શહેર અધ્યક્ષ જ્યોતિ સોજિત્રાએ પાસના સમર્થનમાં છેલ્લી ઘડીએ પોતાનું નામ પરત લઈ લીધું.

આ સાથે જ સોજિત્રાની પેનલથી અન્ય એક કોંગ્રેસ ઉમેદવાર કાનજીભાઈ અલગોતરે પણ આખરી દિવસે પોતાનું નામ પરત લઈ લઈ લીધુ. જો કે તેમનણે આ માટે કોંગ્રેસ હાઈકમાન્ડને જવાબદાર ઠેરવીને ટિકિટ વહેંચણી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમનો આરોપ હતો કે, ટિકિટ વહેંચણી દરમિયાન પેનલની એકતાનું ધ્યાન નથી રાખવામાં આવ્યું.

આ પેનલથી કોંગ્રેસ ઉમેદવાર ધાર્મિક માલવિયાએ પહેલા જ પાસના સમર્થનમાં ઉમેદવારી પત્રક ભર્યુ નહતુ. તે સમયે કોંગ્રેસને એટલો સમય પણ નહતો મળ્યો કે, ધાર્મિકની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને મેન્ડેટ આપી શકાય. ધાર્મિકના ઉમેદવારી પત્રક ના ભરવાથી અને જ્યોતિ સોજિત્રા અને કાનજીભાઈ દ્વારા ઉમેદવારી પત્રક પરત ખેંચવામાં આવતા કોંગ્રેસ આ વોર્ડની લડાઈમાંથી આપમેળે બહાર થઈ ગઈ છે.

રાજનીતિના જાણકારોના મતે, PAAS ના સમર્થનમાં માત્ર એક જ ઉમેદવાર સામે આવ્યા બાદ કોંગ્રેસ ભલે રાહતનો શ્વાસ લઈ રહી હોય, પરંતુ જે પ્રકારે આખી પેનલ બગડી છે તેનું નુક્સાન ચૂંટણીમાં ભોગવવું પડી શકે છે. શહેરના અન્ય વોર્ડમાં પણ તેની અસર વર્તાઈ શકે છે. જો આવું થયું, તો કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પહેલા જ કહીં ચૂક્યા છે કે, ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા બાદની સ્થિતિઓ પર ચર્ચા બાદ રણનીતિ બનાવવામાં આવશે

(12:39 pm IST)