ગુજરાત
News of Wednesday, 10th February 2021

અમદાવાદમાં વર્ષ 2019ની સરખામણીએ 2020માં બાળકોનો જન્મદર ઘટ્યો : ગત વર્ષે શહેરમાં કુલ 89,203 બાળકોનો જન્મ

વર્ષ-૨૦૨૦માં જન્મ સમયે મૃત હાલતમાં જન્મેલા બાળકોની સંખ્યા 1220 નોંધાવા પામી

અમદાવાદ શહેરમાં માર્ચ-2019થી કોરોના મહામારી જોવા મળી રહી છે.આ મહામારીની અસર બાળકોના જન્મ ઉપર પણ પડી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર રેકર્ડ ઉપર વર્ષ-2019માં કુલ 1 લાખ 6 હજાર 237 બાળકોના જન્મ નોંધાયા હતા.જેની તુલનામાં વર્ષ-2020માં કુલ મળીને 89 હજાર 203 બાળકોનાં જન્મ નોંધાયા છે.ઉપરાંત વર્ષ-2019માં કુલ 1290 બાળકો જન્મ સમયે જ મૃત હાલતમાં જન્મ્યાં હતા તો વર્ષ-૨૦૨૦માં જન્મ સમયે મૃત હાલતમાં જન્મેલા બાળકોની સંખ્યા 1220 નોંધાવા પામી છે.

આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં થતાં દરેક જન્મ અને મૃત્યુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં નોંધણી કરાવવી ફરજીયાત છે.માહીતી અધિકાર એકટ હેઠળ અરજદાર પંકજ મકવાણા દ્વારા માંગવામાં આવેલી માહીતી સંદર્ભમાં મ્યુનિસિપલ તંત્ર તરફથી લેખિતમાં આપવામાં આવેલી માહીતી મુજબ,વર્ષ-2019ના બાર મહિનાના સમયમાં અમદાવાદમાં કુલ 56 હજાર 566 બાળકો અને કુલ 49 હજાર 671 બાળકીઓ એમ કુલ મળીને 1 લાખ 6 હજાર 237 બાળકોનો જન્મ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં નોંધાવા પામ્યો છે.બીજી તરફ વર્ષ-2020ના 12 મહિનામાં કુલ 47 હજાર 224 બાળકો અને 41 હજાર 977 બાળકીઓ મળી કુલ 89 હજાર 203 બાળકોનો જન્મ તંત્રના ચોપડા ઉપર નોંધાવા પામ્યો છે.

જન્મ સમયે જ મૃત હાલતમાં જન્મેલા બાળકોની સંખ્યા જોવામાં આવે તો વર્ષ-2019માં 735 બાળકો અને 555 બાળકીઓ મળી કુલ 1290 બાળકો મૃત હાલતમાં જન્મ્યાં હતા.જયારે વર્ષ-2020માં 714 બાળકો અને 506 બાળકીઓ મળી કુલ 1220 બાળકો મૃત હાલતમાં જન્મ્યા હતા.અમદાવાદમાં માર્ચ-2020થી કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે.માર્ચ-2020થી મે-2020 સુધીના સમયમાં અમદાવાદ શહેરમાં ત્રણ મહિના સુધી લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં આવ્યો હતો.આ સમય દરમ્યાન પણ પણ અગાઉના વર્ષ-2019ના માર્ચથી મે સુધીના સમયમાં અમદાવાદ શહેરમાં જેટલા બાળકો મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં નોંધાયા હતા.એ સંખ્યામાં પણ ઘટાડો નોંધાવા પામ્યો હતો.

 

આરોગ્ય વિભાગના નિયમ પ્રમાણે શહેરમાં થતા દરેક જન્મ કે મૃત્યુ અંગેની નોંધ 21 દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જન્મ-મરણ વિભાગમાં કરાવવી ફરજીયાત છે.આ પછી જો નોંધ કરાવવામાં આવે તો લેટ ફી લઈને તંત્ર દ્વારા તેની નોંધ કરવામાં આવતી હોય છે

(11:52 am IST)