ગુજરાત
News of Wednesday, 10th February 2021

સુરતમાં ડિવાઇડર ઉપર સુતેલા શ્રમિકો પર લકઝરી બસ ચડી જતા એક નું મોત

બસ નીચે ફસાયેલાને બહાર કાઢવાની ફાયર વિભાગે કામગીરી હાથ ધરી

સુરતના પુણા વિસ્તારમાં લક્ઝરી બસ ચાલકે બસ ઉપર નો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી જ્યાં સૂતેલા શ્રમિકો ઉપર બસ ફરી વળતા એકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બસ નીચે ફસાયેલાને બહાર કાઢવાની ફાયર વિભાગે કામગીરી હાથ ધરી છે.

  સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ગંગા હોટલ પાસે લાલ દરવાજા તરફથી આવતી ઓમ સાંઈ રામ લક્ઝરી બસ (GJ-05-Z-1402)ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ ડિવાઈડર પર સૂતેલા લોકોને અડફેટે લીધા હતા. જ્યાં લોકો સૂઈ રહ્યા હતા. જે પૈકી એકનું બસના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી બસ મૂકીને ડ્રાઈવર ભાગી ગયો હતો મૃતક ની ઓળખ કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે 22 દિવસ અગાઉ પણ કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ ત્રણ ના સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો.

(11:42 am IST)