ગુજરાત
News of Wednesday, 10th February 2021

કોંગી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી દૂર :રાજીનામુ પાછું ખેંચ્યું : ધારાસભ્યપદે યથાવત રહેશે

મારી રજૂઆત હાઈકમાન્ડે સાંભળી:પાર્ટીએ જેમને ઉમેદવાર બનાવ્યા છે તેમને જીતાડવા માટે મહેનત કરશે- ઇમરાન ખેડાવાલા

અમદાવાદ : બહેરામપુરા વોર્ડમાં ટિકિટ વહેંચણીને લઇને પોતાનું રાજીનામું ધરી દેવાના સ્ટંટ કરનારા જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી દૂર થતા અંતે તેમણે રાજીનામું પરત ખેચ્યું છે. રાજીનામું આપી તેમણે હાઈકમાન પર પ્રેશર ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો, જેમાં તેઓ મહદ્અંશે સફળ પણ રહ્યા હતા. જોકે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ગઈકાલથી મીડિયામાં ચર્ચાતું હતું કે ખેડાવાલા પ્રેશર ટેકનીકથી કોંગ્રેસ પર દબાણ કરી રહ્યા છે, આ સંદર્ભે મારે એટલું જ કહેવાનું છે કે મારી કોઈ પ્રેશર ટેકનીક નહોતી. મારી રજૂઆત હાઈકમાન્ડે સાંભળી છે અને મેં રાજીનામું પરત ખેંચ્યું છે. તેઓ પોતે પાર્ટીના સંનીષ્ઠ કાર્યકર્તા છે અને ધારાસભ્ય પદે યથાવત્ત રહેશે તેવી જાહેરાત ખેડાવાલાએ કરી હતી

   ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તામ્રધવ્જ સાહુ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે રાજીનામું પરત ખેચવાની જાહેરાત કરી છે. ખેડાવાલાએ જણાવ્યું હતું કે પાર્ટીના હિતમાં મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ આપેલા આશ્વાસનથી મનને સંતોષ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખેડાવાલાએ કાલે જણાવ્યું હતુ કે તેઓ મંગળવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપશે, પરંતુ અમિત ચાવડા સાથે વાતચીત બાદ તેમણે આ નિર્ણય માંડી વાળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે પક્ષે બહેરામપુરા વોર્ડમાંથી જેમને ઉમેદવાર બનાવ્યા છે તેમના માટે પણ તેઓ કામ કરશે જ. બહેરામપુરામાં કોંગ્રેસના સભ્યોને જીતાડવા હું તનતોડ મહેનત કરીશ

ધારાસભ્ય ઇમરાનએ વધુમાં જણાવ્યું કે બહેરાપુરામાં સીધી જંગ AIMIMના ઉમેદવારો સામે થશે, પરંતુ AIMIMના ઉમેદવારો કરતા કોંગ્રેસ વધારે મજબૂત છે. મતદાતાઓ જાણે છે કે AIMIMથી ભાજપને ફાયદો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાના વિધાનસભા વિસ્તારમાં આવતા બહેરામપુરા વોર્ડમાંથી 4 ઉમેદવારોના નામ પાર્ટીને આપ્યા હતા. જેમાંથી પાર્ટીએ બે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા, જ્યારે પાર્ટીએ બીજા બે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા. આમ ખેડાવાલાએ આપેલા ચાર નામમાંથી બેને જ પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેને લઇ ઇમરાન ખેડાવાલા પક્ષથી નારાજ હતા અને તેમણે પોતાનું રાજીનામું પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલ્યું હતુ. જોકે અમિત ચાવડાએ રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો.

(12:13 am IST)