ગુજરાત
News of Friday, 9th February 2018

‘તારી જ કોઇ ભુલના કારણે સગાઇ તૂટી’ પરિવારના આક્ષેપ બાદ વઢવાણમાં યુવતિનો આપઘાતનો પ્રયાસઃ ૧૮૧ ટીમ દ્વારા બચાવ

વડોદરાઃ સગાઇ તૂટી જવાના કારણે પરિવારજનોએ કરેલા આક્ષેપો બાદ યુવતિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન ટીમે બચાવી લીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગરના વઢવાણની વતની ૨૪ વર્ષીય યુવતી રીમા (નામ બદલ્યુ છે) અભ્યાસમાં ભારે તેજસ્વી છે અને તેણે માસ્ટર ડીગ્રી મેળવી છે. તાજેતરમાં તેની સગાઈ થઈ હતી પરંતું તે કોઈક કારણસર તૂટી જતા પરિવારજનોએ સગાઈ તૂટવા માટે રીમાને જવાબદાર ઠેરવી હતી

પરિવારજનો 'તારી કોઈ ભુલના કારણે સગાઈ તૂટી હશે..હવે તારા કારણે સમાજમાં અમારી બદનામી થશે 'તેમ કહી તેની પર આક્ષેપો કરવાનું રૂ કર્યું હતું. પોતાના પરિવારજનોના આવા રોજબરોજના મેણાટોણાથી કંટાળીને રીમા તાજેતરમાં કોઈને જાણ કર્યા વિના ઘર છોડીની નીકળી ગઈ હતી

બે દિવસ પોતાની બહેનપણીના ઘરે રોકાઈને તે તે વડોદરામાં આવી હતી. જોકે અત્રે આવ્યા બાદ તેના કોઈ પરિચિત હોઈ તેણે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તેને ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર પોતાની વ્યથા વ્યક્ત કરી આપઘાત કરી લઈશ તેમ જણાવતા મહિલા હેલ્પલાઈનની ટીમે તુરંત તેનો સંપર્ક કર્યો હતો અને તેઓ રીમાને મહિલા પોલીસ મથકમાં લઈ ગઈ હતી

ટીમના કાઉન્સિલરોએ સૈાપ્રથમ આપઘાતનો વિચાર મનમાંથી કાઢી નાખવા માટે સમજાવી હતી અને પોતે ઉચ્ચશિક્ષિત છે માટે નોકરી-ધંધો કરી સ્વનિર્ભર રહી શકે છે તેમ જણાવ્યા બાદ તેને હાલમાં પરિવાર સાથે રહેવુ તેની માટે વધુ હિતાવહ છે તેવી સમજણ પાડી હતી

તે ઘરે પાછી જવા તૈયાર થતાં અંગેની સુરેન્દ્રનગરની ૧૮૧ મહિલા હેલ્પલાઈનને જાણ કરાઈ હતી અને તેઓએ રીમાના પરિવારજનોને સમજાવતા તેઓ રીમાને લેવા માટે વડોદરા આવ્યા હતા. દરમિયાન રાતભર રીમાને મહિલા પોલીસ મથકમાં આશરો અપાયો હતો

આજે રીમાના પરિવારજનો મહિલા પોલીસ મથકમાં આવતા રીમાને તેઓની સાથે ઘરે પરત મોકલાઈ હતી અને આપઘાત કરવાનું વિચારતી રીમાનું ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કારણે પરિવારજનો સાથે પુનઃમિલન થયું હતું.

(5:41 pm IST)