ગુજરાત
News of Friday, 9th February 2018

સુરતમાં રેલ્વે ટ્રેક ઉપરથી દંપતિના મૃતદેહ મળ્યાઃ ૪ વર્ષની પુત્રી લાપતા

સુરતઃ સુરતમાં દંપતિનું રહસ્યમય મોત થયા બાદ તેની ૪ વર્ષની પુત્રી લાપતા થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ  ઉધના સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી દંપતી મૃત હાલતમાં મળી આવ્યું હતું અને તેમની 4 વર્ષીય પુત્રી લાપતા છે. પોલીસે મામલે તપાસ હાથ ધરી છે.

પરિવારે દાવો કર્યો છે કે મર્ડર કેસમાં મૃતક સાક્ષી હતો અને અંતિમ દિવસોમાં તેણે કેટલીક વખત સચિન જીઆઇડીસી પોલીસનો સંપર્ક કર્યો હતો. વહેલી સવારે 2.30 વાગ્યે રેલવે ટ્રેક પરથી ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો દિપુ નથુ પ્રજાપતિ (30) અને તેની પત્ની આશા (28)નો મૃતદેહ મળી આવ્યો હતો.

ટ્રેન ડ્રાઇવરે રેલવેના અધિકારીઓને જાણ કરી હતી, પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી.

ટ્રેન ડ્રાઇવરનું નિવેદન નોંધી દંપતિનું કઇ રીતે મોત થયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માથાના ભાગમાં ગંભીર ઇજાથી યુવકનું મૃત્યુ થયું છે. ઘટના સ્થળેથી દંપતિની 4 વર્ષીય પુત્રી લાપતા થઇ ગઇ છે. પોલીસે આજુબાજુના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

(5:39 pm IST)