ગુજરાત
News of Friday, 9th February 2018

ઉધના - ભેસ્તાન નજીક રહસ્યમય સંજોગોમાં ટ્રેનની હડફેટે દંપતીનું મોત


સુરત:ઉધના-ભેસ્તાન વચ્ચે ગતરાતે રહસ્યમય સંજોગોમાં દંપતિ ટ્રેન અડફેટે આવતા મોતને ભેટયા હતા. સચીનમાં થયેલી હત્યા અંગે પોલીસે પૂછપરછ માટે તેમને બોલાવ્યા હતા. દંપતિએ આત્મહત્યા કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, સચીનમાં ઉન પાટીયા ખાતે શબનમ નગરમાં રહેતા ૩૦ વર્ષીય દિપુભાઈ નાથુભાઈ પ્રજાપતિ અને તેમની પત્ની આશાબેન (ઉં.વ.૨૬) ગતરાતે ઉધના-ભેસ્તાન વચ્ચે ટ્રેન અડફેટે આવ્યા હતા. જેથી બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા. આ અંગે આજે સવારે સુરત રેલવે પોલીસને જાણ થતા ત્યાં જઈ કાર્યવાહી કરી હતી. તેમના ખિસ્સામાંથી નીકળેલા મોબાઈલ ફોન પરથી દંપતિની ઓળખ થઈ હતી. દિપુભાઈના સંબંધીએ કહ્યું કે, થોડા સમય અગાઉ સચીનમાં ઉન પાટીયા ખાતે રૂમમાલિક શાંતીદેવીની હત્યા થઈ હતી. આ હત્યામાં અગાઉ દિપુભાઈને સચીન જીઆઈડીસી પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. ગઈકાલે બપોરે દિપુ ડીંડોલી રોડ ઉપર રંગકામ કરતો હતો ત્યારે કોઈનો ફોન તેના પર આવ્યો કે પોલીસ બોલાવે છે. એટલે તે કામ છોડીને ગયો હતો. બાદમાં દંપતિ આજે સવારે રેલવે ટ્રેક પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા. રેલવે પોલીસસૂત્રોએ કહ્યું કે, દંપતિએ આત્મહત્યા કરી હોવાની શક્યતા પણ છે. તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે. પોલીસસૂત્રોએ કહ્યુ કે, મહિલા હત્યા કેસમાં પોલીસે ઘણા વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. જેમાં તેને પણ પૂછપરછ માટે બોલાવી હતી. તેઓ અગમ્ય કોઈ કારણસર ટ્રેન અડફટે આવ્યા હતા. આ અંગે સુરત રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(5:20 pm IST)