ગુજરાત
News of Friday, 9th February 2018

ગુજરાત સરકારના લખાણ વાળી સાયકલના સ્પેરપાર્ટ્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક પોલીસે બાતમીના આધારે ઝડપ્યું

પાદરા: ગુજરાત સરકારના લખાણ વાળા સાયકલના સ્પેરપાર્ટસની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક પોલીસે ઝડપી પાડયુ હતું. પાદરા તાલુકાના સાંગમા કેનાલ પાસે પંજાબ પાસીંગની ટ્રકમાંથી રૂ.૨૧.૮૪ લાખ કિંમતની ૧૩૩૯૬ નંગ દારૂની બોટલો અને અન્ય સામાન મળી કુલ રૂ.૩૩.૮૪ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઝડપાયેલા ટ્રકચાલકની પૂછપરછ હાથ ધરી છે. પાદરા નજીક સાગમા કેનાલ પાસે પંજાબ પાસીંગની એક ટ્રક ઉભી છે અને તેમાં સાયકલનો સામાન તેમજ અન્ય વસ્તુઓની નીચે દારૂનો મોટો જથ્થો સંતાડયો છે તેવી બાતમીના આધારે પાદરા પીઆઇ ડી.એમ. વ્યાસ તેમજ સ્ટાફના માણસોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ટ્રકમાં મોડર્ન ઓપરેન્ડી કંપનીની સાયકલો તેમજ કેસરી કલરના પંખા જેના ઉપર ગુજરાત સરકાર લખેલુ હતુ તે સામાન જણાયો હતો. જો કે ટ્રકમાં વધુ તપાસ કરતા ઉપરોક્ત સામાનની નીચે રૂ.૨૧.૮૪ લાખ કિંમતની ૧૩૩૯૬ નંગ વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો ભરેલ ૪૭૫ પેટીઓ મળી હતી. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ.૩૩.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક હાકમસીંગ ગંગાસીંગની ધરપકડ કરી  તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે દારૂના જથ્થા અંગે પોતાને કાંઇ ખબર નથી સાયકલનો માલસામાન વડોદરા નજીક ઉતારવાનો છે અને ત્યાં પહોંચતા માણસ તને ફોન કરશે તેમ જણાવ્યુ હતું. મહત્વની બાબત એ  છે કે ટ્રકમાં કેસરી રંગના સાયકલના પંખા હતા અને આ પંખા ઉપર ગુજરાત સરકારનું લખાણ હતું. દરમિયાન પોલીસે દારૂનો જથ્થો સાયકલના સ્પેરપાર્ટસની આડમાં કોણે મોકલ્યો અને ક્યાં બુટલેગરે જથ્થો મંગાવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(5:19 pm IST)