ગુજરાત
News of Friday, 9th February 2018

આણંદના ગુપ્તચર વિભાગના પીઆઇની સરકારી 'બોલેરો' ગાડી રહસ્યમય સંજોગોમાં ગૂમ

ગાડી કયાં મુકી તે ડ્રાઇવરને યાદ નથીઃ રાજયભરમાં ભારે શોધખોળ

રાજકોટ, તા., ૯: રાજયભરમાં ટુ વ્હીલર સહિતની વાહન ચોરીઓની ઘટનાઓ  હવે સામાન્ય બની છે. લોકો પણ હવે આવી બાબતોથી ટેવાઇ ગયા છે. પરંતુ આણંદમાં એક અજીબો ગરીબ ઘટના ઘટી છે. સુત્રોના કથન મુજબ આણંદના ગુપ્તચર વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેકટરની બોલેરો ગાડી કે જે ડ્રાઇવરના કબ્જામાં હતી તે રહસ્યમય સંજોગોમાં ગૂમ થયાનો ફરીયાદ રીપોર્ટ કરવામાં આવ્યો છે.

 

સરકારી બોલેરો ગૂમ થતા જ ખળભળાટ મચી ગયો છે અને આ બોલેરોને શોધવા માટે ખાનગીમાં ભારે દોડધામ મચ્યાનું પણ સુત્રો જણાવે છે. આ બાબતે સંબંધક પોલીસ ઇન્સ્પેકટર દ્વારા આ બોલેરો પોતાના ડ્રાઇવર કે જે કવાર્ટરમાં રહે છે અને ઓફીસ સમય પુર્ણ થયા બાદ આ બોલેરો પોતાના ઘર પાસે જ રાખે છે. ફરીયાદ રીપોર્ટમાં એવું પણ જણાવાયેલ કહેવાય છે કે ડ્રાઇવર સુર્યસિંહને હું જયારે બોલાવુ ત્યારે કાર લઇને આવે છે.

 

ગત તા.૪ ના રોજ હું મારી ઓફીસે પહોંચ્યા બાદ સ્ટાફને પુછેલ કે 'ડ્રાઇવર સરકારી ગાડી લઇને કેમ આવેલ નથી?' આ બાબતે ડ્રાઇવરને પુછતા તેણે જણાવેલ કે, હું મિત્રો સાથે પાર્ટીમાં ગયેલ. ગાડી કયાં મુકી છે તે મારી નાદુરસ્ત તબીયતને કારણે યાદ નથી. ત્યાર બાદ મેં સ્ટાફ સાથે ગાડીની શોધખોળ કરી પણ ગાડી મળી આવી નથી. આમ આ ઘટનાએ ચકચાર જગાવી છે.(૪.૮)

(5:15 pm IST)