ગુજરાત
News of Friday, 9th February 2018

પછાત વર્ગના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે સરકાર પ્રોત્સાહક સહાય આપશે

સ્પીપાએ હાથ ઉંચા કરી દેતા વિભાગે હાથ લંબાવ્યો !: સ્નાતક કક્ષાએ પ૦ ટકાથી વધુ ગુણ મેળવેલ હોય તો રૂ.ર૦ હજાર સુધી મળશે

રાજકોટ તા. ૯ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ ૧ થી ૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ લેનાર પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે સેકશન આઇ.એમ.ઘાંચીની સહીત તા.૩/ર/ર૦૧૮ના દિવસે પરિપત્ર પ્રસિધ્ધ કરેલ છે.

પરિપત્રમાં જણાવાયું છે કે  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ-૧, વર્ગ-ર અને વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના તાલીમાર્થીઓને તાલીમાર્થી દીઠ રૂ.ર૦,૦૦૦/- લેખે તાલીમ વર્ગો માટેની અંદાજીત ૧૬૦૦ વિદ્યાર્થીઓ માટેની રૂ.૩ર૦.૦૦ લાખની નવી બાબતની દરખાસ્ત કરવામાં આવેલ હતી. જેનો નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ ના અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવેલ છે સ્પર્ધાત્મક પરફક્ષાઓના કોચીંગ કેન્દ્રો ચલાવવાના થતા હતા. પરંતુ સ્પીપાએ આવા કોચીંગ કેન્દ્રો ચલાવવા માટે અસમર્થતા દર્શાવતા આ બાબત પુનઃ નાણા વિભાગને રજુ કરવામાં આવતા નાણા વિભાગે કેટલીક શરતો સાથે પુનઃ વહીવટી મંજૂરી આપી છે. તેથી હવે નીચે મુજબનો ઠરાવ કરવામાં આવે છે.પરિપત્રમાં જણાવ્યા મુજબ મુળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક રૂ.ર,૦૦,૦૦૦ સુધીની આવકને ધ્યાને લઇ પ્રત્યેક તાલીમાર્થીને રૂ.ર૦,૦૦૦/- (વીસ હજાર પુરા) ખાસ પ્રોત્સાહન સહાય આપવાની રહેશે. આ યોજના માટે તાલીમાર્થીનું લાયકાતનું ધોરણ ગુજરાત જાહેર સેવા આયોગે સંબંધિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિર્ધારિત કરેલ જરૂરી શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછા પ૦ ટકા ગુણ જેટલું હોવું જોઇએ એટલે કે જો ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાતમાં રાખવામાં આવેલ શૈક્ષણિક લાયકાત ગ્રેજયુએશન હોય તો ગ્રેજયુએશનમાં ઓછામાં ઓછા પ૦ ટકા ગુણ ધરાવતા ઉમેદવારને જ કોચીંગમાં પ્રવેશ આપવાનો રહેશે. આ યોજના માટે રાજયની ખ્યાતિપ્રાપ્ત ખાનગી સંસ્થાઓ દ્વારા તાલીમ આપવાની રહેશે.  આ યોજના હેઠળ તાલીમ લેનાર તાલીમાર્થીઓમાં અતિ પછાત, વધુ પછાત અને વિચરતિ-વિમુકત જાતિઓને અગ્રતા આપવાની રહેશે.(૬.૧૦)

(12:00 pm IST)