ગુજરાત
News of Friday, 9th February 2018

ગુજરાતમાંથી સિંગદાણાના નિકાસ વેપારો ઠપ્પ

મગફળીનો બમ્પર પાક છતાં પણ ભારતની તુલનાએ આફ્રીકન દેશોનાં નીચા ભાવથી નિકાસને ફટકોઃ ચાલુ વર્ષના પ્રથમ ૯ મહિનામાં નિકાસ ૨૦% ઘટી

મુંબઇ તા. ૯ : કોમોડિટી બજારમાં હાલ મગફળી ચર્ચાનો વિષય બન્યો છે અને હાલ સરકારી ખરીદી ઠપ્પ પડી હોવાથી ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ નિકાસ મોરચે પણ નિરાશા વ્યાપી ગઈ છે. ગુજરાતમાંથી સિંગદાણાનાં નિકાસ વેપારો સાવ ઠપ્પ થઈ ગયાં છે. ભારતની તુલનાએ બીજા દેશોનાં સિંગદાણા સસ્તા હોવાથી નિકાસને મોટો ફટકો પડ્યો હોવાનું ઉત્પાદકોનું કહેવું છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું ૩૦ લાખ ટન આસપાસ ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે. બમ્પર ઉત્પાદનને કારણે નિકાસ વેપારો સારા થાય તેવી સિંગદાણા ઉત્પાદકોને આશા હતી, પરંતુ ભારતની તુલનાએ આફ્રીકા અને આજર્િેન્ટનાનાં સિંગદાણા સરેરાશ ટને રૂ.૧૦૦૦થી ૧૫૦૦ નીચા બોલાતાં હોવાથી ભારતીય દાણાની માંગ ઘટી ગઈ છે તેમ ગોંડલનાં એક અગ્રણી સિંગદાણા ઉત્પાદકે જણાવ્યું હતું.

મુંબઈનાં એક નિકાસકાર કહે છેકે સરકાર દ્વારા સિંગદાણાની નિકાસ અંગેનાં કડક નિયમો હોવાથી ભારત બીજા દેશો સાથે હરિફાઈમાં ટકી શકતું નથી. નિકાસ માટેની જટીલ અને કડક પ્રક્રીયા પાછળ ટને આશરે રૂ.૨૦૦૦નો ખર્ચ થઈ જાય છે. આફાલાટોકિસનને જાળવવા માટે સરકાર મનમાની કરી રહી છે, પરંતુ તેની મોટી અસર નિકાસ વેપારો ઉપર થઈ છે. જો સિંગદાણાનાં નિકાસ વેપારો થયા હોત તો ખેડૂતોને આપોઆપ મગફળીનાં ઊંચા ભાવ મળત અને સરકારે ખરીદી પણ ઓછી કરવી પડી હોત.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સિંગદાણાનાં આશરે ૧૨૦૦થી ૧૫૦૦ કારખાનાઓ આવેલા છે, પરંતુ ચાલુ વર્ષે નિકાસમાં પેરિટી ન હોવાથી અને કુલ ઉત્પાદનમાંથી ત્રીજા ભાગની મગફળી સરકારી ગોડાઉનમાં પડી હોવાથી કારખાનાઓ બંધ પડ્યાં છે. એક અંદાજ પ્રમાણે હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં માંડ ૫૦થી ૭૦ કારખાના જ ચાલુ છે.

એક અગ્રણી નિકાસકારે જણાવ્યું હતુંકે સિંગદાણાની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં ૪.૫થી ૫ લાખ ટન માંડ થાય તેવી ધારણાં છે, જે અગાઉનાં વર્ષ દરમિયાન ૭ લાખ ટન થઈ હતી. ભારતીય દાણાની મોટી માંગ ચીનની હોય છે, પરંતુ ચીન ચાલુ વર્ષે બીજા દેશ તરફ વળ્યું છે. સરકાર દ્વારા સિંગદાણાની નિકાસ ઉપર પ્રોત્સાહનો કે સબસિડી જાહેર થાય તો મોટી રાહત મળી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય વાણિજય મંત્રાલયનાં સત્તાવાર તાજા આંકડાઓ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન સિંગદાણાની નિકાસ કુલ ૩.૮૭ લાખ ટનની થઈ છે, જે અગાઉનાં વર્ષ દરમિયાન આજ સમયગાળામાં ૪.૭૪ લાખ ટનની થઈ હતી. આમ નિકાસમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.(૨૧.૬)

મગફળીની ખરીદી બંધ થતાં સિંગતેલ સસ્તુ થયું

સિંગદાણાની નિકાસ બંધ છે અને મગફળીની સરકારી ખરીદી પણ બંધ હોવાથી ગ્રાહકોને સસ્તુ સિંગતેલ મળી રહ્યું છે. સિંગતેલનાં ૧૫ કિલો નવા ડબ્બાનો ભાવ છેલ્લા દશેક દિવસમાં રૂ.૫૦થી ૬૦ ઘટીને હાલ અમદાવાદમાં રૂ.૧૫૫૦થી ૧૫૬૦ની વચ્ચે ચાલે છે. કપાસિયા, સોયાબીન સહિતનાં તેલો મોંઘા થઈ રહ્યાં છે, પરંતુ સિંગતેલનાં ભાવ ઘટ્યાં છે.

(12:02 pm IST)