ગુજરાત
News of Friday, 9th February 2018

ભાભી ઉપર રીક્ષા ચઢાવી દેવાના પ્રયાસ:ઠપકો આપતા ઉશ્કેરાયેલ દિયરે ધારિયું માર્યું :કઠલાલ પંથકનો બનાવ

આંગણામાં છાણ માટીથી લીપણ કરતા કમળાબેન ઉપર દિયર પોપટે રીક્ષા ચઢાવી દેવા કર્યો પ્રયત્ન :ઠપકો આપતા ખંભા અને પગની પેડીએ ધારિયું ઝીકયુ

 

ખેડા: જિલ્લાના કઠલાલ તાલુકાના શીરની મુવાડી તાબે તાંતરીયા ગામમાં ભાભી ઉપર રીક્ષા ચઢાવી દેવાનો પ્રયત્ન કરતા દિયરને બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા દિયરે ધારીયું લઈ  ભાભીને મારીને ઈજાઓ પહોંચાડી ધમકીઓ આપ્યાની કઠલાલ પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના શીરની મુવાડી તાબે તાંતરીયામાં કમળાબેન શીવાભાઈ પરમાર (..૩૦) પરિવાર સાથે રહી ખેતી અને ઘરકામ કરે છે.બુધવારે સવારના અગિયાર વાગ્યાના સુમારે કમળાબેન પોતાના ઘરના આંગણામાં છાણ માટીથી લીપણ કરી રહ્યા હતા ત્યારે તેણીનો દિયર પોપટ ખોડાભાઈ પરમાર રીક્ષા લઈને આવ્યો હતો અને કમળાબેન ઉપર રીક્ષા ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.જેથી કમળાબેને તેને ઠપકો આપતા દિયર પોપટ પરમાર રીક્ષાને ઘર આગળ ઉભી રાખી ઘરમાંથી ધારીયું લઈ આવી કમળાબેનને જમણા ખભા ઉપર અને ડાબા પગની પેડી ઉપર મારી ઈજાઓ પહોંચાડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી
   બનાવથી ગભરાઈ ગયેલા કમળાબેન પરમારે કઠલાલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પોપટ ખોડાભાઈ પરમાર સામે ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી છે.

(9:05 am IST)