ગુજરાત
News of Friday, 9th February 2018

વલસાડના ડ્રાઈવર દિલદારઃ શહીદોના ફેમિલીને ૧૧,૦૦૦નીમદદ કરી

વલસાડના રહેવાસી અને અમરનાથ હુમલામાં ૫૬ ગુજરાતી યાત્રીઓનો જીવ બચાવનાર સલીમ ગફુર શેખે મંગળવારે જમ્મુ કાશ્મીરના રજૌરીમાં શહીદ થનારા ચાર આર્મી જવાનોના પરિવારોને ૧૧,૦૦૦ની મદદ કરી હતી. ગયા વર્ષે અમરનાથમાં ગુજરાતી યાત્રીઓને લઈ જતી બસ પર ત્રાસવાદી હુમલો થયો હતો પરંતુ બસ ડ્રાઈવર ગફુરની સમયસૂચકતાથી યાત્રીઓના જીવ બચી જયા હતા.

 ત્રાસવાદીઓએ હુમલો કર્યો ત્યારે બસમાં દક્ષિણ ગુજરાતના ૫૬ યાત્રીઓ હતા. શેખે આ બસને મહામહેનતે આર્મી કેમ્પ પહોંચાડી હતી. ભારત સરકારે શેખની બહાદુરીને વધાવવા આ ૨૬ જાન્યુઆરીએ વીરતા પુરસ્કાર પણ આપ્યો હતો અને જીવન રક્ષા પદક એનાયત કરવામાં આવ્યો હતો.

શેખ મંગળવારે સુરતના જિલ્લા કલેકટરને મળ્યા હતા અને તેમને ૧૧,૦૦૦ રૂપિયાનો ચેક આપ્યો હતો. તેમણે એટેક દરમિયાન જવાનોને રાત-દિવસ કામ કરતા જોયા હોવાથી તે સૈનિકોનું જીવન કેટલું મુશ્કેલ હોય છે તે સારી રીતે સમજે છે. આથી તેમના પરિવારને મદદ કરવા ગફુરે ૧૧,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું હતુ.

ગફુરે પોતાનો જીવ જોખમમાં મૂકીને બસના યાત્રીઓને બચાવ્યા હતા પરંતુ તેમને હજુ પણ અફસોસ છે કે હુમલામાં મોતને ભેટેલા ૮ યાત્રીને તે બચાવી ન શકયા. જો કે આતંકવાદીઓના આંધાધૂંધ ગોળીબાર વચ્ચે મોટાભાગના યાત્રીઓને આર્મી કેમ્પ સુરક્ષિત પહોંચાડવા કંઈ આસાન કામ નહતુ.

૩૭ વર્ષનો ગફૂર ત્રણ બાળકોનો પિતા છે. ગયા વર્ષે ૧૦ જુલાઈમાં શેખ ૬૦ પ્રવાસીને લઈને અમરનાથથી પરત ફરતો હતો ત્યારે અનંતનાગ જિલ્લાના બાટેનગુ ખાતે આતંકવાદીઓએ અચાનક બસ પર ગોળીઓનો વરસાદ વરસાવવાનો શરૂ કરી દીધો હતો. આ દુર્દ્યટનામાં ૮ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા પરંતુ ગફૂરે બસ ચલાવવાની ચાલુ રાખી હતી અને સિકયોરિટી પોસ્ટ સુધી બસ લઈ જતા મોટાભાગના યાત્રીઓના જીવ બચાવી શકાયા હતા.

(6:14 pm IST)