ગુજરાત
News of Friday, 10th January 2020

અમદાવાદ મ્યુનિશિયલ કોર્પોરેશન દ્વારા સ્કૂલ બોર્ડનું બજેટ રજુઃ આ વર્ષે ૨૦ નવી શાળાઓ બનાવાશે

અમદાવાદ તા.૧૦: અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનું (એએમસી) ૨૦૨૦-૨૧ના વર્ષનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીનાં શાસનાધિકારી એલ.ડી. દેસાઇ દ્વારા સ્કુલની બોર્ડ બેઠકમા રજુ કરવામાં આવ્યું હતું.

આ બજેટમાં હાઇટેક એજ્યુકેશન અને સ્માર્ટ સ્કુલનાં લક્ષ્યાંકો સાથેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટ ગત વર્ષની તુલનાએ ૨૧ કરોડ રૂપિયા વધારીને ૬૮૭.૫૮ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં વિદ્યાર્થીના વિકાસ અને શાળાના વિકાસ માટે ૧૩૬ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે ૨૦ નવી શાળાઓ બનાવવામાં આવશે. ૧૦ હાઇટેક શાળાઓ તેમજ ૨૫ સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે.

કોર્પોરેશનની હસ્તક રહેલી ૩૮૭ શાળાઓનાં ૬ માધ્યમમાં કુલ ૧.૨૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગત વર્ષે કોર્પોરેશન રૂપિયા ૬૬૮ કરોડ રૂપિયાનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ૫ કરોડનો વધારો કરીને ૬૭૩ કરોડનું કરાયું હતું. ગત વર્ષનાં બજેટમાં વિદ્યાર્થીઓ અને શાળાની પ્રવૃતીઓ પાછળ ૮.૭૮ ટકાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે ૧૧ ટકાનો વધારો કરતા ૧૭.૭૮ ટકા ખર્ચ કરવામાં આવશે.

આ વર્ષના બજેટમાં ૧૨ કરોડ રૂપિયા શાળાનાં આધુનિક કરણ ઉપરાંત જિલ્લા પંચાયત હેઠળ આવતી ૧૦૯ શાળાઓને કોર્પોરેશન અંતર્ગત  લાવવામાં આવશે. તમામ કર્મચારીઓનાં પગારભથ્થા અને નવીનીકરણ પાછળ ૩૪ કરોડ સહિત ૧૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

(8:39 pm IST)