ગુજરાત
News of Friday, 10th January 2020

CAA ધારાસભામાં રજુઃ વિપક્ષો ભ્રમ ફેલાવે છે, વાસ્તવમાં નાગરિકત્વ બક્ષતો કાયદો છે

ગૃહમાં કાયદાની તરફેણમાં પ્રદીપસિંહની દલીલઃ પરેશ ધાનાણીએ કહ્યુ ખૂલ્લા મને ચર્ચા કરો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦ :.. આજે વિધાનસભા ગૃહમાં રાજયના રાજય ગૃહ મંત્રીએ સંસદના બન્ને ગૃહોએ પસાર કરેલ સંવિધાન (એકસો છવ્વીસમાં સુધારા) વિધેયક ર૦૧૯ થી ભારતના સંવિધાનમાં કરવામાં આવેલ સુધારાને સંવિધાનના અનુચ્છેદ ૩૬૮ ના ખંડ (ર) ના કાર્યક્ષેત્ર પ્રયાસો બહાર રાખવામાં આવેલ પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલ છે.

આ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કાયદાના સમર્થનમાં દલીલ કરી છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપના સભ્યોને 'કોમેન્ટ' કરવાના બદલે કાયદા પર ચર્ચા કરવા અનુરોધ કર્યો છે. કોંગ્રેસ કાયદાના વિરોધમાં છે પણ સાંજ સુધીમાં કાયદો ગૃહમાં પસાર થઇ જાય તેવા સંજોગો છે.

મંત્રી પ્રદીપસિંહે જણાવેલ કે ભારતીય સંસ્કૃતિ અને સમરસતાની વિચારધારાને વરેલી ભારત દેશની પ્રજાએ આવા લોકોને આશરો જ આપ્યો એટલું જ નહિ પરંતુ ધંધા - રોજગારમાં સહાયરૂપ બની તેઓને પગભર કરવામાં પણ પોતાનો હાથ લંબાવ્યો. આજે પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનીસ્તાનમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવેલા આવા લોકો દેશના મુખ્ય પ્રવાહમાં ભળી ગયા છે અને તેઓ ભારતનાં જ સંતાનો છે.

ભુતકાળની સરકારો દ્વારા તૃષ્ટીકરણની નીતિને કારણે આવા લોકોને તેમના નાગરીકત્વ સહિતના બંધારણીય અધિકારોથી આજ દિન સુધી વંચીત રખાયા હતાં. કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી સંવેદનશીલ લોકાભીમુખ  સરકાર રચાતા આ પ્રશ્નને સાચી દિશા મળી અને આવા શરણાર્થીઓને મદદ કરવાની આપણા સૌની નૈતિક ફરજ નિભાવી ડીસેમ્બર ર૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનીસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા આપણા જ બંધુઓ તેવા હિંદુ, શીખ, જૈન, પારસી, બૌધ્ધ તથા ઇસાઇ સમુદાયના લોકોને નાગરિકતા બક્ષવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની દૂરંદેશીથી ધી સીટીઝનશીપ એકટ, ૧૯પપ માં સુધારો કરવાનો એક હિંમતભર્યો અને ઐતિહાસીક નિર્ણય રાષ્ટ્રહિતમાં કેન્દ્ર સરકારે લીધો છે. આમ થવાથી ડીસેમ્બર ર૦૧૪ સુધીમાં ઉરોકત દર્શાવેલ દેશોમાંથી ભારતમાં આવેલ જે તે સમુદાયના લોકો ગેરકાયદેસર સ્થળાંતર કરનાર નહિ ગણાય અને તેઓને ભારતની નાગરિકતા પ્રાપ્ત થતા તેઓના જીવનમાં સ્થિરતા અને ખુશાલીનો માહોલ આવશે.

કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો અને રાજકીય પક્ષો પાકિસ્તાનમાં ત્યાંની લઘુમતીઓ પર થતા અત્યાચાર બાબતે મોં પર તાળા લગાવી બેઠા છે. અને બીજી બાજુ ધી સીટીઝનશીપ (એમેન્ડમેન્ટ) એકટથી લઘુમતિ સમુદાયના લોકોના નાગરિકત્વના હકકો છીનવાઇ જશે તેવો ભ્રમ સમાજમાં ફેલાવી રહ્યા છે.

સીટીઝનશીપ (એમેન્ડમેન્ટ) એકટ માત્ર ને માત્ર નાગરિકત્વ બક્ષતો કાયદો છે અને તેના કારણે ભારતના લઘુમતિ સમુદાયના લોકો સહિત કોઇપણ વ્યકિતના નાગરિકત્વને અસર થવાની નથી ત્યારે લાખો લોકોને ફરી યાતનાઓ ભોગવવી ન પડે તેવા માનવીય અભિગમ ધરાવતા કેન્દ્ર સરકારના આ ઐતિહાસીક નિર્ણયને આ સભાગૃહ આવકારે છે તથા તેને સમર્થન આપે છે. તેમ પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં જણાવ્યું હતું.

(4:03 pm IST)