ગુજરાત
News of Friday, 9th December 2022

કોંગ્રેસના ૪૧ અને AAPના ૧૨૮ ઉમેદવારોને જનતાએ સ્‍પષ્ટ જાકારો આપ્‍યોઃ ડિપોઝિટ પણ ગુમાવી

લાયકાત ધરાવતા કુલ મતોમાંથી ૧૬.૬૭ ટકા અથવા છઠ્ઠા ભાગના મતથી ઓછા મત મળે તો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે છે

નવી દિલ્‍હી, તા.૯: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ગુજરાતની જનતાએ ફરી એકવાર ભાજપમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્‍યો છે અને કોંગ્રેસ તેમજ આપને જાકારો આપ્‍યો છે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્‍યો મોટા માર્જિન સાથે વિજયી થયા છે ત્‍યારે મોટા પક્ષોના કેટલાક ઉમેદવારોએ પોતાની સિકયુરિટી ડિપોઝિટ પણ ગુમાવી દીધી છે. જે સ્‍પષ્ટપણે દર્શાવે છે કે મતદારોએ તેમને જાકારો આપી દીધો છે. આમ આદમી પાર્ટીના ૧૮૧માંથી ૧૨૮ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે જ્‍યારે કોંગ્રેસના ૪૧ બેઠકોના ઉમેદવારોએ ડિપોઝિટ ખોઈ છે.

અમી યાજ્ઞિકે ગુમાવી ડિપોઝિટઃ લાયકાત ધરાવતા કુલ મતોમાંથી ૧૬.૬૭ ટકા અથવા છઠ્ઠા ભાગના મતથી ઓછા મત મળે તો ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના ઘાટલોડિયા મતક્ષેત્રમાં કોંગ્રેસના અમી યાજ્ઞિકે ડિપોઝિટ ગુમાવી છે. કુલ પડેલા ૨.૫૭ લાખ મતોમાંથી માત્ર ૮.૩ ટકા મત તેમની તરફેણમાં પડ્‍યા હતા. જ્‍યારે આપના ઉમેદવાર વિજય પટેલને ફક્‍ત ૬.૩ ટકા મત મળ્‍યા હતા.

મધુ શ્રીવાસ્‍તવ પણ હારી ગયાઃ વાઘોડિયા બેઠક પર ભાજપના બળવાખોર નેતા અને છવાર ધારાસભ્‍ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્‍તવે આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમને કુલ પડેલા ૧.૮૨ લાખ મતોમાંથી માત્ર ૮ ટકા મત મળ્‍યા હતા. તો કોંગ્રેસ ઉમેદવાર સત્‍યજીત ગાયકવાડને ૧૦.૩ ટકા મત મળ્‍યા હતા. તેઓ અપક્ષ ઉમેદવાર ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા

મજૂરાગેટ બેઠક પર પણ આપ-કોંગ્રેસના ઉમેદવારોની કારમી હારઃ મજૂરાગેટ મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર અને હાલના ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી ૧.૩૩ લાખ મત મેળવીને વિજયી થયા છે. તેમના મજબૂત હરીફ ગણાતા આપના પી.બી. શર્માને કુલ પડેલા ૧.૬૩ લાખ મતમાંથી ૧૦.૨૪ ટકા મત મળ્‍યા છે જ્‍યારે કોંગ્રેસના ઉમેદવાર ૫.૮૧ ટકા મત મળ્‍યા છે. આપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે.

૮ બેઠકો પર ભાજપને ૭૫ ટકાથી વધુ મત મળ્‍યાઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રથમવાર જંગમાં ઉતરી હતી તેમ છતાં ૩૪ બેઠકો પર બીજા ક્રમે રહી હતી. આઠ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને ૭૫ ટકાથી વધુ મત મળ્‍યા છે. ૩૨ બેઠકો એવી હતી જ્‍યાં ભાજપને ૬૦થી૭૪ ટકા મત મળ્‍યા છે. કોંગ્રેસને સૌથી વધુ વોટ વાંસદા બેઠક પર મળ્‍યા છે. કુલ મતોમાંથી કોંગ્રેસ ઉમેદવારને ૫૨.૫ ટકા મત મળ્‍યા હતા જ્‍યારે સૌથી ઓછા સુરતની વરાછા બેઠક પર ૨.૪૧ ટકા મત મળ્‍યા હતા. આ જ પ્રકારે આપનો સૌથી વધુ વોટ શેર ડેડિયાપાડાની બેઠક પર મળ્‍યો હતો. અહીં આપને ૫૫.૮ ટકા મત મળ્‍યા જ્‍યારે સૌથી ઓછા થરાદ બેઠક પર માત્ર ૦.૧૩ ટકા મત મળ્‍યા છે.

નોટામાં કેટલા મત પડ્‍યા?: કુલ ૫.૫૨ લાખ મતદારોએ નોટાનું બટન દબાવ્‍યું હતું. જોકે, ૨૦૧૭ની ચૂંટણી કરતાં લગભગ ૫૦,૦૦૦ ઓછા મતદારોએ નોટાને વોટ આપ્‍યો હતો. ખેડબ્રહ્મા મતક્ષેત્રમાં સૌથી વધુ ૭,૩૩૧ મત નોટામાં પડ્‍યા હતા. કોંગ્રેસ ઉમેદવાર ૧૭૦૦ વોટના માર્જિનથી ખેડબ્રહ્મા બેઠક પર વિજયી થયા હતા.

(3:34 pm IST)