ગુજરાત
News of Monday, 9th December 2019

અમદાવાદમાં ડમ્પરની હડફેટે રિક્ષામાં સવાર ત્રણના મોત

અમદાવાદ:ટ્રાફિક પોલીસના  સ્પિડ લિમિટના દાવા વચ્ચે અમદાવાદમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પીપળજથી  કમોડ  જવાના રોડ પર પુર ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે  રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ચાલક અને મહિલા પેસેન્જર સહિત  ત્રણના મોત નીપજ્યા હતા.  જ્યારે  ભાડજ સર્કલ પર ફૂલ સ્પીડમાં આવતી ટ્રકના ડ્રાઇવરે ટક્કર મારતા  એક્સેસ પર જઇ રહેલા યુવકનું ટ્રકના ટાયર નીચે ચગદાતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.આ કેસની વિગત એવી છે કે ઇસનપુર વિસ્તારમાં મોની હોટલ પાસે ભરવાડ વાસમાં રહેતા મધુબહેન.એ.ઝાલા(ઠાકોર) એ ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે તેમના પુત્ર દિનેશભાઇ ઠાકોર ગઇકાલે પોતની નવી છોડાવેલી ઓટો રિક્ષા લઇને પીપળજ થી કમોડ તરફ જતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ચલાવતા તેમના પુત્ર  અને રિક્ષામાં બેઠેલા અજાણ્યા પુરુષને ગંભીર ઇજાઓ થઇ હતી જેથી એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણેયના મોત નીપજ્યા હતા. અકસ્માત બન્યા બાદ ડમ્પર મૂકીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસ વાહન ચાલક સામે ગુનો નોધીને ડમ્પરના નંબર આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.બીજીતરફ  રિક્ષામાં સવાર મૃતક મહિલા અને યુવકની ઓળખ પરખ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.અન્ય બનાવમાં ભાડજ સર્કલ પાસે વિંન્ડ ચીમ્સ ફ્લેટમાં રહેતા નિતીનભાઇ.કે.શાહે ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તેમની સોસાયટીમાં રહેતા રાકેશભાઇ ભીખાભાઇ પટેલ ગઇકાલે સવારે એક્સેસ લઇને ભાડજ સર્કલ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મીની ટ્રક આંગણજ સર્કલ તરફથી પૂર ઝડપે આવી રહી હતી  જ્યાં ડ્રાઇવરે પોતાના વાહનના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં એક્સેસને ટક્કર મારી હતી જેથી યુવક નીચે પટકાયા હતા બીજીતરફ ટ્રકનું ટાયર તેમના માથા પરથી ફરી વળતાં માથા  સહિત શરીરે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોેધી ફરાર ડ્રાઇવરને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ  રહ્યો છે. અમદાવાદની ટ્રાફિક પોલીસ દ્વારા ફૂલ સ્પિડમાં વાહન ચાલકો સામે પગલાં ભરવાના દાવા કરવામાં આવ્યા હતા. જે માત્ર કાગળ પર હોય તેમ પૂર ઝડપે વાહન ચલાવવાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે.

(5:25 pm IST)