ગુજરાત
News of Saturday, 9th December 2017

દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી મહાપર્વમાં ઉત્સાહઃ લાઇનો લાગી

સુરતની ૮ બેઠક, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદાની ૪૩ બેઠકો ઉપર ચાપતા બંદોબસ્ત હેઠળ મતદાનઃ EVMમાં ખોટકાવાની વ્યાપક ફરીયાદઃ સુરત શહેર અને જીલ્લાની બેઠકો પર સવારે ૮ થી ૧૦ વચ્ચે સરેરાશ ૧૧.પ૯ ટકા મતદાનઃ પાટીદારોના ગઢ સુરતના વરાછામાં પ્રથમ બે કલાકમાં જ ૧૯ ટકા ભારે મતદાન નોંધાયુઃ હજુ લાંબી કતારો

રાજકોટ તા. ૯ : આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું. દક્ષિણ ગુજરાતની ૪૩ બેઠક ઉપર લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં જાણે ઉત્સવનો માહોલ બની ગયો છે. સવારથી જ તમામ મતદાન મથકો ઉપર લાઇનો લાગી છે.

સુરત, વલસાડ, નર્મદા, ભરૂચ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં પોલીસનો અને અર્ધલશ્કરી દળોના સુરક્ષા જવાનોની સુરક્ષામાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. ગઇકાલે કતલની રાતે પણ ભાજપ - કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોએ છેલ્લી ઘડીનો પ્રચાર કરી મતદારોને રીઝવવા તનતોડ મહેનત કરી હતી.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કામાં સરેરાશ ૧૦ ટકા મતદાન નોંધાયું હોવાનો અંદાજ છે. સુરતના પાટીદાર વિસ્તારમાં તો ઢોલ-નગારાના નાદે લગ્ન કે કોઇ માંગલિક પ્રસંગ હોય તેમ સજી-ધજીને સમૂહમાં મતદાન કરવા લોકો નિકળ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં પણ સંખ્યાબંધ મતદાન મથકોએ ઇવીએમમાં ખોટકો સર્જાતા દોડધામ થઇ છે.

પ્રથમ તબક્કામાં ભારે મતદાન માટે મતદારોએ જાણે તેનો મૂડ અને નિશ્ચય બનાવી લીધો હોય તેવું જણાય રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. સવારે આઠ વાગ્યાથી લોકો લાઈનો લગાવી મતદાન કરી રહ્યા છે. લોકોમાં મતદાનને લઈને જુસ્સો જોવા મળી રહ્યો છે. પોલિંગ સેશન જે ક્રિટીકલ છે ત્યાં પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ૩૨૭ બુથી પર માઈક્રો ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. ૪૮૩ એવા બુથ છે જેની અંદર અને બાર વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. ૨૩૨ એવા બુથ છે જયાં લાઈવ થઈ રહ્યું છે.

શહેરમાં અમુક સીટો એવી છે જે ગ્રામ્ય જિલ્લા સાથે જોઈન્ટ છે જેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ૪૯૮ બિલ્ડીંગ સંવેદનશીલ છે. કુલ ૮૬૬૫ ગુનેગાર વિરુદ્ઘ પગલાં લેવાયા છે. ચૂંટણી દરમિયાન ૭૦૦૦ હથિયાર જમા લેવામાં આવ્યાં છે. હાલ ૧૧ ચેકપોસ્ટ કાર્યરત છે. ૪૧ ફલાઈંગ સ્કવોર્ડ છે. સાથે ૪૯ જગ્યા પર ટીમો કાર્યરત છે. જે ૩ શિપમાં ટીમો કામ કરશે. ૩૨૦૦ પોલીસ, ૪૦૦૦ હોમ ગાર્ડ, ૩૦૦૦ જેઆરડી, ૩૧૧ સેકટર પોલીસ વેન ફરતી રહેશે.(૨૧.૧૫)

 

(11:50 am IST)