ગુજરાત
News of Monday, 9th November 2020

વાવડી કેનાલમાં ગાબડાથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં

મધરાતે એકાએક વધારે પાણી છોડી દેવાયું : છ જગ્યાએ કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં દાડમ અને ધાસચારાને ભારે નુકશાનથી ખેડૂતોમાં તંત્ર સામે આક્રોશ

થરાદ, તા. : નર્મદાની શાખા નહેરોમાં પાણી છોડવાની સાથે ખેડુતોની મુશ્કેલીઓની પણ શરૂઆત થવા પામી હતી. જેમાં વાવના માલસણ વાવડી કેનાલમાં મધરાતે એકાએક વધુ પાણી છોડી દેવાતાં ઠેકાણે ઓવરફલો થયા બાદ ગાબડું પણ પડ્યું હતું. જેના કારણે વાવડીના ખેડુતોને ઘાસચારો તથા દાડમના પાકમાં પાણી ફરી વળતાં વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.તંત્રની બેદકારીને લઇને ખેડુતોમાં ભારે રોષની લાગણી પ્રસરવા પામી હતી.

થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી વાવ તાલુકાના માલસણ વાવડી વચ્ચે ત્રણેક કિમીની લંબાઇ ધરાવતી માયનોર કેનાલમાં તંત્ર દ્વારા શનિવારે બપોરે પાણી છોડીને સાંજે બંધ કરી દેવામાં આવ્યું હતું. આથી હવે બીજા દિવસે પાણી મળશે તેમ માનીને ખેડુતો રાત્રે સુઇ ગયા હતા. જેની વચ્ચે મધરાતે ત્રણેક વાગ્યાના સુમારે તંત્ર દ્વારા કેનાલમાં એકાએક ફુલ પાણી છોડી દેવામાં આવતાં ક્ષમતા કરતાં વધુ વહનના કારણે કેનાલ ઠેકાણે ઓવરફલો થવા પામી હતી. ત્યાર બાદ આગળ જતાં તેમાં ગાબડું પડ્યું હતું.

પુષ્કળ પ્રમાણમાં પાણીનો બગાડ થતાં અંગે વધુ માહિતી આપતાં વાવડીના ખેડુત જગદીશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે એક કેનાલમાં ઓવરફલો અને ગાબડાના કારણે ગામના નગાભાઇ લગધીરભાઇ પટેલના બાગાયતી પાક દાડમ તથા ધનરાજભાઇ ભીખાભાઇ પટેલ, નાગજીભાઇ જોહાભાઇ પટેલના ઘાસચારામાં પાણી ફરી વળતાં ખેતરમાં કાપીને રાખેલા તથા ઉભેલા જુવારના પાકને નુકશાન થવા પામ્યું હતું. જ્યારે હરસંગભાઇ અને વસ્તાભાઇએ રાયડાના પિયત માટે તૈયાર કરીને રાખેલા ખેતરમાં પાણી ભરાતાં તેમને પાણી સુકાયાની રાહ જોયા ફરીથી ખેડાણ કરવાની નોબત આવી હતી. ખેડુતોના ખેતરોમાં જવાના માર્ગ પણ પાણીથી ભરાઈ ગયા હતા. અંગે ખેડુતોએ જણાવ્યું હતું કે નર્મદા વિભાગ દ્વારા નહેરમાંથી કોઇ પણ જાતની સાફસફાઇ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ખેડુતોને ભારે નુકશાન થવા પામ્યું હતું. આમ નર્મદા વિભાગ દ્વારા કેટલીક કેનાલોમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ નબળી ગુણવત્તાની બનેલી કેનાલો તેની વહન ક્ષમતા કરતાં બેદરકારીને વધુ પ્રમાણમાં છોડવામાં આવતા પાણીથી કાગળની જેમ ચિરાઇ જાય છે. આથી તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ખેડુતોમાં ભારે રોષની લાગણી પ્રસરેલી જોવા મળી રહી છે.

(9:36 pm IST)