ગુજરાત
News of Monday, 9th November 2020

અમદાવાદમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્‍ચે તાવ-શરદી-ખાંસી જેવા વાયરલ કેસમાં વધારોઃ કોરોના ટેસ્‍ટીંગ કેમ્‍પમાં લોકોનો ધસારોઃ 50માંથી 20 લોકોના રિપોર્ટ પોઝીટીવ

અમદાવાદ : રાજ્યમાં હવે ધીરે-ધીરે જ્યારે શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે લોકોમાં તાવ, શરદી, ખાંસી જેવા વાયરલ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. જેનાં લીધે એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તો હજી ઘટ્યું નથી. પરંતુ એવામાં શરદી, ખાંસીના કેસો વધતા લોકોમાં કોરોનાનો ડર ઊભો થયો છે. જેથી અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેના જે કેમ્પ બનાવવામાં આવ્યાં છે ત્યાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં 50 લોકોના ટેસ્ટમાંથી 20 લોકો પોઝિટિવ આવ્યાં છે.

કોરોના ટેસ્ટ માટે લોકોની ભીડ ઉમટવા લાગી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા માટે શિયાળામાં તાવ, ખાંસીના વાયરલ કેસો વચ્ચે કોરોનાના સંક્રમણને ઘટાડવા એ એક મોટી ચેલેન્જ ઊભી થઇ છે.

ગુજરાતમાં કોરોનાના નવા 1020 કેસ નોંધાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ઓછા થઈ રહેલા કોરોનાના પોઝિટિવ કેસો ફરીથી વધવા લાગ્યાં છે. સતત ત્રીજા દિવસે રવિવારે પણ એક હજારથી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1020 નવા કેસ મળી આવ્યાં છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 7 લોકોના મરણ નોંધાયા છે.

રાજ્યના સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટ તરફથી પ્રાપ્ત ડેટા પ્રમાણે, નવા કેસ ઉમેરાવાની સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,80,699 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી આ જીવલેણ વાઈરસ રાજ્યમાં 3769 લોકોને ભરખી ચૂક્યો છે.

ગુજરાતમાં રવિવારે સામે આવેલા કોરોના કેસની વિગતો જોઈએ તો, સૌથી વધુ 194 પોઝિટિવ કેસ સુરત જિલ્લામાંથી મળી આવ્યાં છે. આ સિવાય અમદાવાદ જિલ્લામાંથી 185, વડોદરામાં 127, રાજકોટમાં 113, ગાંધીનગરમાં 66 અને જામનગર જિલ્લામાં 26 નવા કેસ સામે આવ્યાં છે.

(5:00 pm IST)