ગુજરાત
News of Saturday, 9th November 2019

સોપારી અપાયાની આશંકામાં ભાગીદારે જ પાર્ટનરને પતાવ્યો

ધડ વગરની લાશ મળવાના પ્રકરણમાં ખુલાસો : આરોપી ભાગીદાર મતબૂલની કરાયેલી ધરપકડ : મતબૂલે તેના ભાગીદારની હત્યા બાદથી લાશના ૧૦૦ ટુકડા કર્યા

અમદાવાદ, તા.૯ : અસલાલી- હાથીજણ રોડ પર બે પ્લાસ્ટિકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળી આવવાના કિસ્સામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. ગોમતીપુરના યુવક અને તેના ભાગીદાર વચ્ચે ધંધામાં ભાગીદારીના હિસાબ અને મૃતકે ભાગીદારની હત્યા માટે સોપારી આપી હોવાની શંકાને લઇ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યારાએ ત્રણ કલાક સુધી કાપડ કાપવાના કટરથી લાશના કટકા કરીને બે કોથળીમાં પેક ભરી દીધા હતા અને અસલાલી રિંગ રોડ પર ફેંકી દીધા હતા. પોલીસે ૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાંખતા ભારે ચકચાર મચી ગઇ છે. ગયા રવિવારે એસપી રિંગ રોડ પર હાથીજણ તરફ સર્વિસ રોડ પર ચાની કિટલી નજીક બે પ્લાસ્ટિકની થેલીમાં અત્યત દૂર્ગંધ મારતી હતી. ચાની કિટલી ધરાવતા વ્યકિતએ તરત જ પોલીસને જાણ કરી હતી. અસલાલી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

               પોલીસે પ્લાસ્ટિકની થેલી ખોલીને તપાસ કરતા તેમાં માથા વગરની અને ટુકડા કરેલી લાશ મળી હતી. અત્યંત ક્રૂર હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા અસલાલી પોલીસ, એલસીબી, એસઓજીની ટીમોએ ઘટના સ્થળથી આસપાસના સીસીટીવી ફૂટેજ અને લાશની ઓળખ શરૂ કરી હતી. ગોમતીપુરનો સાકીર શેખ નામનો યુવક કેટલાક દિવસથી ગુમ થયો હોવાથી તેના પરિવારે અસલાલી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમના ડીએનએ ટેસ્ટ માટે એફએસએલમાં મોકલ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ નજીક શ્યામ આઇકોન બિલ્ડીંગના, રોડ પરના તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ એક્ટીવા અને રીક્ષા ઘટના સ્થળ નજીક દેખાયા હતા. અસલાલીથી ઇસનપુર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં ઇસનપુર સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજમાં રીક્ષાચાલક અને એક્ટિવા ચાલક જતો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે રીક્ષા નંબરના આધારે પોલીસે રીક્ષાચાલકની અટકાયત કરી હતી. પુછપરછ કરતા ગોમતીપુરના મોહંમદ મતબુલ શેખ નામના યુવકે ૩૦૦ રૂપિયા આપી બે પ્લાસ્ટિકની થેલી અસલાલી સુધી લાવવા આપ્યા હતા. પોલીસે આરોપીની કડી મળી જતા તેને ઝડપવા ઘરે પહોંચી હતી પરંતુ ઘરે મળી આવ્યો ન હતો. મતબુલ ઉતરપ્રદેશ જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

                પોલીસે મતબુલને પકડવા માટે એક ટીમ યુપી રવાના કરી હતી. ઉત્તરપ્રદેશ પહોંચેલી અસલાલી પોલીસને જાણ થઇ કે મતબુલ પ્લેન મારફતે અમદાવાદ આવી રહ્યો છે. મતબુલ અમદાવાદ આવ્યો ત્યારે અસલાલી પોલીસે તેની ધરપકડ કરીને આકરી પુછપરછ કરી હતી જ્યાં તેણે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, આરોપી મોહંમદ મતબુલ અને સાકીર બન્ને મૂળ ઉત્તરપ્રદેશના છે અને ૭ વર્ષથી ગોમતીપુરમાં રહે છે અને કાપડનો ધંધો જોડે ભાગીદારીમાં કરતા હતા.મતબુલે ૧૦ લાખ ધંધામાં રોક્યા હતા પરંતુ સાકીરે તેનો ધંધો પડાવી લીધો હતો. કોઈ હિસાબ સાકીર આપતો ન હતો. મતબુલના એક મિત્રએ તેને જણાવ્યું હતું કે, સાકીર તારી હત્યા કરવાની સોપારી આપવા માટે ફરી રહ્યો છે અને તારો ફોટોગ્રાફ્સ એક વ્યકિત પાસે પણ જોયો છે. દરમિયાનમાં મતબૂલના ઘરે કોઈ ન હોવાથી તા.૨ નવેમ્બરે રાતે સાકીરને તે ઘરે લઇ ગયો હતો.

                  નજીકની કિટલી પર ચા લેવા મતબુલ ગયો ત્યારે સાકીરના મોબાઇલ પર ફોન વાત કરી રહ્યો હતો. મતબુલ ચા લઇ દરવાજે પહોંચ્યો ત્યારે સાકીરના મોંઢે તેને સાંભળ્યું હતું કે તે હજુ કેમ જીવે છે. મતબુલને વિશ્વાસ આવી ગયો હતો કે મારી હત્યા માટે સાકીરે સોપારી આપી છે. ત્યાં જ મતબુલે તે જ સમયે સાકીરની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. મતબુલે રાત્રે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી કાપડ કાપવાના કટરથી સાકીરના કટકા કર્યા હતા અને તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધી હતી. જમીન પર પડેલા લોહીના ડાધને સાફ કરવા માટે ફિનાઇલથી આખું ઘર ધોઇ નાંખ્યુ હતું. રાત્રે આઠ વાગે સાકીરની હત્યા થઇ અને ત્યારબાદ રાત્રે ત્રણ વાગ્યા મતબુલ તેને ફેંકવા માટે અસલાલી ગયો હતો. માથું અને હાથના ભાગ કેનાલમાં ફેંકી દીધી હતી. કેનાલમાં ફેંકાયેલા અવશેષો પોલીસ શોધી રહી છે.

(8:41 pm IST)