ગુજરાત
News of Saturday, 9th November 2019

DYSP શ્વેતાએ આરોપીને પકડવા રીક્ષામાં પીછો કર્યો

કાલુપુરથી અડાલજ સુધી રીક્ષામાં સફર : ભરચક ટ્રાફિકમાં ગાડી લઈને પીછો કરવામાં વાર લાગે તેથી તાત્કાલિક ધોરણે રીક્ષામાં પીછો કરવા માટેનો નિર્ણય

અમદાવાદ, તા.૯ : ગોમતીપુરના યુવક સાકીરની હત્યા તેના જ ભાગીદાર મોહંમદ મતબુલે જ કરી હોવાનું ગ્રામ્ય પોલીસને કન્ફર્મ થતાંની સાથે જ તેના મોબાઈલ ફોનનું લોકેશન અને તેની માહિતી મેળવી લીધી હતી. આ કેસમાં આરોપીને પકડવા માટે મહિલા ડીવાયએસપી શ્વેતા ડેનિયલે એક તબક્કે કાલુપુરથી અડાલજ સુધી પીછો કર્યો હતો. પોલીસ માટે પ્લસ પોઇન્ટ હતો કે આરોપી મતબુલનો ફોન ચાલુ હતો, જેથી તેનું લોકેશન મળી રહ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે, મતબૂલે વતન ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું છે. જેથી ડીવાયએસપી કે.ટી.કામરિયાએ પ્રોબેશન મહિલા ડીવાયએસપી શ્વેતા ડેનિયલ અને ટીમને રેલવે સ્ટેશન પર ટ્રેનમાં મોકલ્યા હતા અને ત્યાંથી જ આરોપીને પકડી લેવા તખ્તો ગોઠવ્યો હતો. શ્વેતા ડેનિયલ ટ્રેનના ડબ્બામાં પણ બેસી ગયા હતા. આરોપીની પોલીસ ટ્રેનમાં રાહ જોઈ રહી હતી પરંતુ કોઈ કારણસર મતબૂલ ટ્રેનમાં જવાની જગ્યાએ ટેક્સીમાં નીકળી ગયો હતો.

                 મતબૂલનું લોકેશન સાબરમતી થઇ મહેસાણા તરફ જતું મળતાં મહિલા ડીવાયએસપી શ્વેતા ડેનિયલ અને ટીમને તેનો પીછો કરવા માટે કહ્યું હતું. કાલપુર વિસ્તારમાંથી આરોપીને પકડવા માટે ખૂબ જ ટ્રાફિક નડશે તેવું લાગતા ગાડીમાં જવાની જગ્યાએ મહિલા ડીવાયએસપી શ્વેતાએ રીક્ષા કરી હતી. આરોપીને પકડવામાં રીક્ષામાં અડાલજ સુધી પીછો કર્યો હતો. બાદમાં ત્યાંથી તેઓ પ્રાઇવેટ ગાડીમાં બેસી પીછો કર્યો હતો. આરોપી મહેસાણા સુધી ટેક્સીમાં પહોંચી ગયો હતો. અને ત્યાંથી કોઈ રાજસ્થાન ટુરિઝમની બસમાં બેઠો હતો. પોલીસને આરોપીનું સતત લોકેશન મળતું હોવાથી તેની પાછળ જ હતી અને તેને ઝડપી લેવા સુધી પહોંચી ગઈ હતી. પાલનપુર પાસે આરોપી મતબૂલ અને મહિલા ડીવાયએસપી શ્વેતા વચ્ચે માત્ર ત્રણ જ કિલોમીટરનું અંતર હતું ત્યાં જ આરોપીનો મોબાઇલ ફોન બંધ થઇ ગયો હતો.

જેથી પોલીસને લોકેશન મળતું બંધ થઇ ગયું હતું. પોલીસે તેને પક્ડવા થોડે સુધી તેનો પીછો કર્યો હતો પરંતુ પોલીસને તેની ભાળ ન મળતા નિરાશ થઇ પરત ફરવું પડ્યું હતું અને શહેર ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઉત્તરપ્રદેશથી પકડવા ટીમો રવાના કરી હતી. પરંતુ પોલીસની આ કામગીરી ભારે પ્રશંસનીય અને મર્દાનગીભરી કહી શકાય. જો કે, બાદમાં મતબૂલની ધરપકડ કરવામાં સફળતા મળી હતી., તેથી પોલીસની મહેનત લેખે લાગી હતી.

(8:40 pm IST)