ગુજરાત
News of Saturday, 9th November 2019

વડોદરાના આજવા રોડ પર આર્કિટેક્ટના ઘરમાંથી સોનાના 590 ગ્રામના પાંચ બિસ્કિટની ચોરી: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના આજવા રોડ શાંતિવન વિદ્યાલયની પાછળ ઓમકાર સોસાયટીમાં રહેતા આર્કિટેકટના ઘરમાંથી સોનાના ૫૯૦ ગ્રામના પાંચ બિસ્કિટની ચોરી થઇ હતી. જે અંગે કામવાળી બાઇ પર શંકા દર્શાવતી ફરિયાદ આર્કિટેકટે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

અંગેની વિગત એવી છે કે, આજવારોડ શાંતિવન વિદ્યાલયની પાછળ આવેલી ઓમકાર સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર બાલક્રિષ્ણ ચિત્તેની કુંજપ્લાઝામાં ચિત્તે એસોસિએટ્સ નામની ઓફિસ છે. ગત ૯મી ઓકટોબરે દશેરાનો તહેવાર હોઇ આર્કિટેકટે પિતા તરફથી મળેલા સોનાના ૧૦૦-૧૦૦ ગ્રામ વજનના પાંચ બિસ્કિટ તિજોરીમાંથી બહાર કાઢીને પૂજા કરી હતી. રાત્રે નવ વાગ્યે બિસ્કિટ કબાટમાં પરત મુકી દીધા હતા. પરંતુ કબાટને તાળુ માર્યુ હતું. બીજે દિવસે સાંજે જોયુ તો કબાટમાંથી સોનાના 10 લાખના પાંચ બિસ્કિટ ગાયબ હતા. જેથી બિસ્કિટ ચોરી થયાની જાણ થઇ હતી. આર્કિટેકટના ઘરે છેલ્લા મહિનાથી કામ કરવા માટે આવતી કામવાળી બાઇ સંગીતા અરવિંદભાઇ માછી (રહે. ગાયત્રીનગર વારસીયા) તથા અન્ય પર શંકા વ્યક્ત કરતી ફરિયાદ આર્કિટેકટે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. આર્કિટેકટે મોડી ફરિયાદ આપવા અંગેનું કારણ એવું જણાવ્યું છે કે, કોઇ નિર્દોષ વ્યક્તિ ફસાય નહી તે માટે અમે પ્રાથમિક તપાસ કર્યા પછી ફરિયાદ નોંધાવી છે.

(4:56 pm IST)