ગુજરાત
News of Saturday, 9th November 2019

સોશિયલ મીડિયા થકી હનીટ્રેપમાં ફસાવનાર અમદાવાદની યુવતિ સામે ફરિયાદ

અમદાવાદ : અમદાવાદ ગોમતીપુરનો એક વેપારી હનીટ્રેપમાં ફસાયો હોવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા થકી એક મહિલાએ તેનો સંપર્ક સાધ્યો હતો અને બાદમાં કાપડનું સેમ્પલ જોવાના બહાને મહિલા આ વેપારીને રિસોર્ટમાં લઇ ગઇ હતી. ત્યાં રિસોર્ટમાં શારિરીક સંબંધો બાંધવા વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. રિસોર્ટમાંથી બહાર નીકળતી વખતે યુવતીને વોમિટ થતી હોવાનું કહી ગાડી રોકાવી હતી ત્યાં જ નકલી પોલીસની ગેંગ આવી પહોંચી હતી અને આ વેપારી પાસેથી અઢી લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. વેપારીએ નકલી પોલીસ સહિત મહિલાની આ ગેંગ સામે નવરંગપુરામાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ગોમતીપુર રાજપુર ટોલનાકા પાસે રહેતો એક યુવક એમ્બ્રોડરી જોબવર્કનું કામ કરે છે. થઓડા દિવસ પહેલા તેના ફોન પર વિડીયો કોલ આવ્યો હતો. વિડીયો કોલ કરનાર અન્ય કોઇ નહિ પણ એક મહિલા હતી. વેપારીએ નંબર ક્યાંથી મળ્યો તેવું પૂછતા તેણે જૂના મોબાઇલ ફરીધ્યો હોવાથી તેમાંથી મળ્યો હોવાનું કહી વેપારી સાથે આગળ સંબંધો કેળવ્યા હતા. બાદમાં બંને વચ્ચે ગ્રાન્ડ ભગવતી આગળ એક કોફીશોપમાં મિટીંગ થઇ હતી. ત્યારબાદ આ મહિલાએ તેને પોતાના ફોટો વેપારીને મોકલ્યા હતા. અને ડ્રેસ મટિરિયલ જોઇને તેને ધંધો કરવો છે તેમ કહીને આશ્રમ રોડ પરના સિટી ગોલ્ડ સિનેમા પાસે વેપારીને બોલાવ્યો હતો.

ડ્રેસ મટિરિયલની વાત મૂકી વેપારીને ફરવા જવાનો પ્રસ્તાવ મૂકતા વેપારીએ ગાડી ચલાવી હતી અને એક બાદ એક સ્થળોએ ફર્યા બાદ મહિલાએ વેપારીને મહેસાણા શંકુ વોટરપાર્ક લઇ જવા કહ્યું હતું. વેપારીએ મનાઇ કરતા ત્યાં નજીકના એક રિસોર્ટમાં વેપારીને લઇ જવાયો હતો. ત્યાં ઼ડ્રેસ મટિરિયલ જોવાની જગ્યાએ મહિલાએ પોતાના કપડાં ઉતારી જબરદસ્તીથી વેપારીના કપડાં કાઢી શારિરીક સંબંધો બાંધવા વેપારીને લલચાવ્યો હતો પણ મહિલા માસિકમાં હોવાથી વેપારીએ સંબંધ બાંધ્યો ન હતો.

 આખરે વેપારી આ રિસોર્ટમાંથી નીકળીને અમદાવાદ તરફ આવતા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકો એક કાર લઇને આવ્યા હતા. ત્યારે મહિલાએ પોતાને ઉલટી થાય છે તેમ કહેતા ગાડી વેપારીએ રોકડી હતી. અને કારમાં આવેલા શખ્સોએ વેપારીનું અપહરણ કરી તેને ત્રિમંદિર પાસે લઇ આવ્યા હતા. ત્યાં તેની પાસે 10 લાખની માંગણી કરતા વેપારીએ આનાકાની કરી હતી. જો કે વેપારીએ અંતે તેના ભાઇ પાસેથી અઢી લાખ મંગાવી આ શખ્સોને આપ્યા હતા.

આખરે વેપારીએ નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસે અનુ શાહ, દરબાર, ઝાલા સહિત સાત લોકો સામે આઇપીસી 365,342, 384,170, 323. 294(ખ), 506(2) અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:51 pm IST)