ગુજરાત
News of Saturday, 9th November 2019

શાંતિપ્રિય ગુજરાતમાં માહોલ રાબેતા મુજબ શાંતિપૂર્ણ

હિન્દુત્વની પ્રયોગશાળા ગણાતી ભૂમિમાં અયોધ્યા પ્રકરણના ચૂકાદા પહેલા અને પછી શાંતિ અને ભાઈચારાની ભાવના અકબંધ : દરેક શહેરોમાં સતત પોલીસ પહેરોઃ પૂર્વ સાવચેતીરૂપે એસ.ટી.-રેલવે પર વિશેષ ધ્યાનઃ હોસ્પિટલ-ફાયર બ્રિગેડ તંત્ર ખડેપગે

રાજકોટ, તા. ૯ :. અયોધ્યામાં વિવાદીત જગ્યા પર રામ મંદિર બનાવવા અંગે આજે સુપ્રિમ કોર્ટના ૫ ન્યાયમૂર્તિઓએ સર્વાનુમતે ચુકાદો જાહેર કર્યો છે. આ ચુકાદાના પગલે રાજ્યમાં પૂર્વ સાવચેતી રૂપે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલ. હિન્દુત્વની પ્રયોગશાળા ગણાયેલ ગુજરાતમાં સુપ્રિમના ચુકાદા પૂર્વે અને પછી સંપૂર્ણ શાંતિનો માહોલ છે. દરેક શહેર જિલ્લામાં જનજીવન રાબેતા મુજબ ધબકી રહ્યુ છે. આજે બપોર સુધીમાં કયાંય કોઈ અનિચ્છનીય બનાવ હોવાના વાવડ નથી.

ચુકાદાના પગલે રાજ્ય સરકારે અગાઉથી જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા પગલા ભરેલા. રાજ્ય કક્ષાએથી તમામ કલેકટરો અને સ્થાનિક પોલીસ વડાઓને જરૂરી પગલા ભરવા સૂચના આપવામાં આવેલ. આજે રાજ્યભરમાં રોજીંદા કરતા વધુ પોલીસ બંદોબસ્ત છે. કેટલાય વિસ્તારોમાં ખાખી વર્દીધારીઓ પગપાળા ફરી રહ્યા છે. અશાંતિની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે સામાન્ય રીતે સૌથી પ્રથમ એસ.ટી.ની બસ નિશાન બનતી હોય છે તેથી આ વખતે સરકારે એસ.ટી. અને રેલવે સેવા પર વિશેષ ધ્યાન આપેલ. જરૂર પડે ત્યાં તુર્ત દોડાવી શકાય તે માટે વધારાની બસો તૈયાર રાખવામાં આવેલ. બસ સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવેલ. મામલતદાર કક્ષાના અધિકારીઓને ખાસ મેજીસ્ટ્રીયલ પાવર સાથે જુદા જુદા પોલીસ સ્ટેશનોની જવાબદારી સોંપવામાં આવી હતી. જાહેર માર્ગો ઉપર કોઈ અડચણ ઉભી કરે તો તરત હટાવી શકાય તે માટે ક્રેઈનની વ્યવસ્થા રાખવામાં આવેલ. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ વગેરેના સ્ટાફને ખડેપગે રાખવામાં આવ્યો છે. જો કે આ લખાય છે ત્યારે આજે બપોર સુધી રાજ્યમાં સંપૂર્ણ શાંતિનું વાતાવરણ છે. ભૂતકાળમાં તોફાનો માટે બહુ વગોવાયેલા ગુજરાતમાં આજે  ઐતિહાસિક ચુકાદા પહેલા અને પછી લોકોએ શાંતિ અને ભાઈચારાની ભાવના અકબંધ રાખી છે.

(4:22 pm IST)