ગુજરાત
News of Saturday, 9th November 2019

હોરર ફિલ્મથી ચઢીયાતી સત્ય ઘટના પરથી અંતે પડદો ઉંચકાયો

મારા ભાગીદારે મારી હત્યા માટે સોપારી આપ્યાની મને જાણ થઈ જતા તે મારી હત્યા કરે તે પહેલા જ મેં તેની હત્યા કરી લાશના ટુકડા કરી માથુ અલગ કરેલ જેથી પોલીસ લાશને ઓળખી ન શકેઃ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલ કાપડના વેપારીની સનસનાટી ભરી કબુલાત : અમદાવાદ ગ્રામ્યના અસ્લાલી સર્કલ નજીકથી મળેલા લાશના કોથળાઓનું રહસ્ય ખોલવામાં એસપી આર.વી. અસારીના માર્ગદર્શનમાં ડીવાયએસપી કે.ટી.કામરીયા ટીમ દ્વારા કાબીલેદાદ કામગીરી

રાજકોટ, તા. ૮ :. મૂળ ઉત્તર પ્રદેશના અને થોડા સમયથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વસી ભાગીદારીથી કાપડનો ધંધો કરતા મોહમદ મતલુબ મોહમદ ફારૂકે પોતાના ભાગીદાર સાકીર દ્વારા પોતાની હત્યાની સોપારી અપાયાની શંકાને આધારે સાકીરનુ પ્રથમ ગળુ દાબી મોતને ઘાટ ઉતાર્યા બાદ કટરથી લાશના ટુકડા કરી અને કોથળામાં ભરી માથુ તથા પંજા ધડથી અલગ કરી અલગ અલગ જગ્યાએ નાશ કર્યાની સનસનાટી ભરી કબુલાત અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવાયેલા મોહમદ મતલુબ મોહમદ ફારૂકે અમદાવાદ ગ્રામ્યના એસ.પી. આર.વી. અસારીના માર્ગદર્શન હેઠળ અને સાણંદના ડીવાયએસપી કે.ટી. કામરીયાના સુપરવિઝન હેઠળની તપાસ ટીમ સમક્ષ ઘટસ્ફોટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે યાદ રહે કે ગત તા. ૩ના રોજ અસ્લાલી સર્કલ નજીકથી બે સફેદ પ્લાસ્ટિકના કોથળામાંથી માથા તથા હાથના પંજા વગરની લાશના શાકભાજીની જેમ ટુકડા કરેલા અવશેષો મળતા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં જેના સુપરવિઝનમાં સમગ્ર તપાસ ચાલી અને ગણતરીના દિવસોમાં કાલ્પનિક હોરર ફિલ્મથી ચડીયાતી સત્ય ઘટનાના સસ્પેન્શ પરથી પડદો ઉંચકવામાં મહત્વની ભૂમિકા રહી છે તેવા સાણંદના ડીવાયએસપી કે.ટી. કામરીયાએ જણાવેલ કે લાશના ટુકડા મળ્યા તે આસપાસના ૧૦૦ જેટલા સીસીટીવી ફુટેજને ચકાસવામાં આવ્યા હતા. સીસીટીવી ફુટેજમાં એક ઓટો રીક્ષામાંથી પાર્સલ ઉતરતા દેખાયેલ. આગળ એક એકટીવા હતુ. નંબર ઉપર ફોકસ કરી એલસીબી પીઆઈ ડી.એન. પટેલ તથા ટીમને કામગીરી સુપ્રત કરતા એકટીવા મોહમદ મતલુબ મોહમદ ફારૂક શેખનું હોવાનું બહાર આવેલ અને સાકીર સાથે તે ભાગીદારીમાં કાપડનો ધંધો કરતો હતો અને છેલ્લે ગુમ હતો. ઓટો રીક્ષા માલિકની તપાસ કરતા ઓટો રીક્ષા ભાડે ફેરવતા ઈસુફભાઈ સુધી પહોંચી. તેમને ૧૦૦ કિલો વજનના પાર્સલ માટે ૩૦૦ તથા વધારાના રૂ. ૫૦ ટીપ મોહમદ મતલુબ તરફથી મળ્યાનું સ્પષ્ટ થઈ ગયેલ.

મોહમદ મતલુબ મોહમદ ફારૂક અમરાહો (ઉત્તર પ્રદેશ) નાસી ગયાનું ખુલતા ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવેલ. દરમિયાન આરોપી દિલ્હીથી અમદાવાદ આવી રહ્યાની માહિતી આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મદદથી આરોપીને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવેલ. આરોપીએ ગુન્હાની કબુલાત આપેલ. સાકીરના બે મોબાઈલ ફોન તથા સાકીરનું માથુ તથા હાથના બે પંજા જે જગ્યાએ ફેંકયા હતા ત્યાંથી પોલીસ રીકવર કરવાની કામગીરી શરૂ કરી છે.

આરોપી દ્વારા સાકીરની હત્યા કરવાનુ મુખ્ય કારણ એવુ જણાવાયુ છે કે જેની હત્યા કરી તે સાકીર સાથે ધંધામાં ભાગીદારી હતી. ૯ લાખ રૂપિયા સાકીરને આપેલ પણ સાકીર હિસાબ આપતો ન હતો. આ દરમિયાન બન્ને ભેગા થયા તે સમયે આરોપી ચા લેવા ગયો અને સીડી ચડતો હતો ત્યારે સાકીર કોઈ હત્યાની વાત કરતો હતો અને તે હત્યાની સોપારી પોતાના માટે હોવાનુ સમજી સાકીરની હત્યા કરી તેના નાના નાના ટુકડા કરી માથુ અને આંગળા અલગ કરી અલગ અલગ જગ્યાએ નાશ કરેલ જેથી ઓળખ કરી ન શકે.

(11:50 am IST)