ગુજરાત
News of Friday, 8th November 2019

અમદાવાદમાં ડેંગ્યુના પાંચ વર્ષમાં સૌથી વધુ કેસો થયા

ડેંગ્યુના સકંજામાં બાળકો સૌથી વધુ આવ્યા છે : રોગચાળાને રોકવા વિવિધ પગલા છતાં સફળતા ન મળી

અમદાવાદ, તા. ૮ : ગુજરાતના અમદાવાદમાં ડેંગ્યુના કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ડેંગ્યુએ રેકોર્ડ તોડી દીધો છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેંગ્યુના કેસ વધુ પ્રમાણમાં નોંધાયા છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓનો આક્ષેપ છે કે, ડેંગ્યુઓના દર્દીઓની સંખ્યા ૫૦૦૦થી પણ ઉપર પહોંચી ચુકી છે જ્યારે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ આપવામાં આવેલા આંકડા કરતા વધારે છે. આંકડા મુજબ ડેંગ્યુના સકંજામાં આવવાથી ૧૦ લોકોના મોત થઇ ચુક્યા છે. ગયા વર્ષની સરખામણીમાં ડેંગ્યુના આ વર્ષે ૩૩૪૫ જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. આ બિમારીથી વધુને વધુ લોકો સકંજામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી આ આંકડા જારી કરવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ડેંગ્યુના દર્દીઓની સંખ્યા પર અંકુશ મુકવાના પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસનો આરોપ છે કે, આરોગ્ય વિભાગ બિમારીઓને રોકવા માટે નક્કર પગલા લેવાના બદલે આંકડા છુપાવવાના પ્રયાસમા ંછે.

        શહેરમાં વરસાદ બાદ જગ્યા જગ્યા પર ગંદગી અને પાણી ભરાઈ જવાના કારણે મચ્છરોનો આંતક વધી ગયો છે. મચ્છરજન્ય રોગોથી લોકોની હાલત કફોડી બનેલી છે. મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફોગિંગ અને દવાઓના છંટકાવ કરવામાં આવી રહ્યા છે છતાં પણ શહેરમાં ડેંગ્યુ રોગચાળાએ આંતક મચાવી દીધો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે ડેંગ્યુના ૩૩૪૫ કેસો નોંધાઈ ચુક્યા છે. સાદા મેલેરિયાના આ વર્ષે ૩૯૦૧, ઝેરી મેલેરિયાના ૧૫૭ અને ડેંગ્યુના સૌથી વધુ કેસ થયા છે. ડેંગ્યુના સકંજામાં સૌથી વધુ બાળકો આવ્યા છે. મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બિમારીને રોકવા માટે ૧૫૦૦૦થી વધારે કન્સ્ટ્રક્શન સાઇટો પર ચકાસણી કરીને નોટિસફટકારવાની કામગીરી હાથ ધરી છે.

(9:32 pm IST)