ગુજરાત
News of Saturday, 9th November 2019

ખેડૂતો બેહાલ : ૭ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાશે

પાક નુકસાન અને વળતર સંદર્ભે સમીક્ષા બેઠક થઇ : રૂપાણીના આવાસ પર યોજાયેલ બેઠકમાં સર્વેની કામગીરી ઉદારતા સાથે કરવા નિર્ણય : વહેલીતકે સહાયતા ચુકવાશે

અમદાવાદ, તા. ૮ : ગુજરાતમાં ભારે વરસાદ અને માવઠાના કારણે પાકને થયેલા ભારે નુકસાનથી ચિંતાતુર બનેલી સરકાર વાતચીતમાં વ્યસ્ત બની ગઈ છે. ખેડૂતોને મુશ્કેલીમાંથી બચાવી લેવા માટે જુદા જુદા આયોજન કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવાસ પર પાકના નુકસાન અને વળતરના મુદ્દા ઉપર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જરૂરી સૂચના પણ આપી હતી. આજે યોજાયેલી આ બેઠકમાં માત્ર સાત દિવસના ગાળામાં જ પાક નુકસાનના સંદર્ભમાં સર્વેની કામગીરી પરિપૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ખેડૂતોને ભારે વરસાદથી અભૂતપૂર્વ નુકસાન થયું છે અને તેમના પર આફત આવી ગઈ છે.

            અન્નદાતાને મુશ્કેલીમાંથી બચાવી લેવા માટે ઉદારતાના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે યોજાયેલી બેઠકના સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ખુબ જ ઉદારતાના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેમાં મૂલ્યાંકન કરીને નાણાંની ચુકવણી કરવામાં આવશે. બીજી બાજુ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. સાત લાખ હેક્ટર ભૂમિમાં નુકસાન થઇ ચુક્યું છે. આને લઇને ખેડૂતો ભારે ચિંતાતુર બનેલા છે. તેમના પર બોઝ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. ખેડૂતોને મદદ કરવાના હેતુસર ૨૨ જિલ્લાઓમાં આ સર્વેની કામગીરી કરવામાં આવનાર છે. ખેડૂતોને કમોસમી વરસાદના લીધે મોટાભાગે તમામ પાકમાં ભારે નુકસાન થયું છે.

            જેમાં મગફળી, ડાંગર અને અન્ય પાકનો સમાવેશ થાય છે. ખેડૂતોને આ વખતે ભારે વરસાદના પરિણામ સ્વરુપે તેમના ખર્ચની રકમ પણ મળી શકી નથી અને તેમને પાકને નિષ્ક્રિય કરી દેવાની ફરજ પડી છે. સરકાર સમક્ષ ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની ચુકવણીની માંગ દિનપ્રતિદિન વધુ તીવ્ર બની રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વારંવાર કહ્યું છે કે, ખેડૂતોને યોગ્ય સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવ્યા બાદ પુરતા પ્રમાણમાં વળતરની ચુકવણી થશે. કેન્દ્રના ધોરણે પણ ચુકવણી કરવામાં આવશે. નીતિન પટેલનું કહેવું છે કે, ખેડૂતો દ્વારા બિનજરૂરી હોબાળો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો કોંગ્રેસના દેખાવમાં કોઇપણ જગ્યા જોડાઈ રહ્યા નથી.

             બીજી બાજુ મુખ્યમંત્રી રૂપાણીના આવાસ પર આજે યોજાયેલી આ બેઠકમાં નુકસાનના તમામ પાસાની ચર્ચા થઇ હતી. બેઠકમાં નીતિન પટેલ, રાજ્યના કૃષિમંત્રી ફળદુ અને અન્ય ટોપના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્વેની કામગીરી વહેલીતકે પૂર્ણ કરવાની સરકારે ખાતરી આપી હોવા છતાં હાલમાં જે ગતિથી કામગીરી ચાલી રહી છે તે જોતા ખેડૂતોને વહેલીતકે રાહત મળે તેમ દેખાઈ રહ્યું નથી જેથી ખેડૂતોની સમસ્યા વહેલીતકે દૂર નહીં થાય તેમ માનવામાં આવે છે. ખેડૂતોને રાહત આપવા માટેની માંગણી કોંગ્રેસ તરફથી કરીને સરકાર પર દબાણ પણ વધારી દેવામાં આવ્યું છે.

(9:27 pm IST)