ગુજરાત
News of Friday, 8th November 2019

નડિયાદમાં વહેલી સવારે માવઠું થતા સમગ્ર ખેતરોમાં પાણી ફરી વળ્યાં: ગરનાળા સહીત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી

ખેડા :જિલ્લાના વડામથક નડિયાદ શહેરમાં ગુરુવારે સવારે માવઠું ખાબક્યું હતું. જેને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને ગરનાળા પાણીથી છલકાયા હતા. વળી ખેતરોમાં સૂકાવા મૂકેલા પૂળા પલળી જતા ખેડૂતવર્ગ ચિંતામાં સરી પડયો છે.ચરોતર પંથક સહિત સમગ્ર રાજ્ય પરથી મહા વાવાઝોડાની ઘાત ટળી છે. પરંતુ વાવાઝોડાની અસર સમગ્ર ખેડા જિલ્લામાં જોવા મળી રહી છે. ગુરુવારે વહેલી સવારે અચાનક ખેડા જિલ્લામાં વરસાદનું જોરદાર ઝાપટું પડયું હતું. જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. વડામથક નડિયાદમાં નીચાણવાળા વિસ્તારો પણ પાણી ભરાયા હતા. જો કે વરસાદ બંધ થતા પાણી ઓસરી પણ ગયા હતા.

શહેરના માઇમંદિર ગરનાળા, તેમજ પીજ રોડ, વલ્લભનગર, કપડવંજ રોડ ઉપર પાણીના ખાબોચીયા ભરાયેલા જોવા મળ્યા હતા. આખો દિવસ આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા અને વાદળછાયું વાતાવરણ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આવા કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી છે. અથાગ મહેનત અને હજ્જારો રુપિયા ખર્ચીને વાવેલો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખુલ્લા ખેતરોમાં સુકવવા મૂકેલ પૂળા આજે અચાનક વરસાદ પડતા પલળી ગયા હતા. જેને કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે

(5:32 pm IST)