ગુજરાત
News of Friday, 8th November 2019

૮ લાખના લાંચ પ્રકરણમાં જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડ એસીબીના શરણેઃ નિવેદન નોંધાવ્યું

ર દિ' પુર્વે સુપ્રિમ કોર્ટે આગોતરા જામીન મંજુર કરતા એસીબી સમક્ષ હાજર થયાઃ અગાઉ ડીવાયએસપી વતી લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલ વિશાલ સોનારાની અગાઉ ધરપકડ કરાઇ'તી

રાજકોટ, તા., ૮:  રૂપિયા આઠલાખની લાંચ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર થઈ ગયેલા જેતપુરના ડી.વાય.એસ.પી જે. એમ. ભરવાડને સુપ્રિમ કોર્ટે આગોતરા જામીન આપતા એન્ટિ કરપ્શન બ્યૂરો કચેરીમાં હાજર થયા હતા અને નિવેદન નોંધાવ્યું હતું.

ત્રણ માસ પહેલા અમદાવાદ એસીબી દ્વારા કોન્સ્ટેબલ વિશાલ સોનારાને આઠ લાખ રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં સહ આરોપી તરીકે જેતપુરના ડી.વાય.એસ.પી જેમ ભરવાડ નું નામ પણ ખૂલ્યું હતું. છેલ્લા ત્રણ માસથી તેઓ ફરાર હતા ત્યારે બે દિવસ પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરતાં તેઓ એસીબી સમક્ષ હાજર થયા હતા. હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ વધુ પૂછપરછ ન કરવા માટે તેમના દ્વારા રૂપિયા૧૦ લાખની માગણી કરી હતી બાદમાં આઠ લાખની માંડવાડની રકમ નક્કી થયા મુજબ વિશાલ સોનારા એ આઠ લાખની રકમ મેળવી હતી જે રોકડ રકમ સાથે અમદાવાદ એ.સી.બીએ ત્રણ માસ પૂર્વે તેની ધરપકડ કરી હતી

અગાઉ સપ્ટેમ્બર મહિનામાં લાંચ પ્રકરણમાં ફરાર આરોપી અને જેતપુરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે. એમ.ભરવાડે દાખલ કરેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. રાજય સરકારે જામીન અરજીના વિરૂદ્ઘમાં રજૂઆત કરી હતી કે, ફરિયાદ નોંધાયા બાદથી તેઓ ફરાર છે અને તેમની સામે પ્રથમ દર્શનીય રીતે કેસ બનતો હોવાથી તેમને જામીન ન મળવા જોઈએ. જે.એમ. ભરવાડ આ કેસમાં હાલ ફરાર છે. તેમની રજૂઆત છે કે, પોલીસ અધિકારી તરીકેનો તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે તેથી તેમને જામીન મળવા જોઈએ.

હાઇકોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા બાદ જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડે સુપ્રિમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરતા સુપ્રિમ કોર્ટે માન્ય રાખી હતી અને સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ આજે તેઓ કચ્છ એસીબીના ડીવાયએસપી  કે.એચ.ગોહીલ સમક્ષ આગોતરા જામીન સાથે રજુ થતા એસીબીએ તેઓનું વિગતવાર નિેવેદન નોંધ્યું હતું.

(3:59 pm IST)