ગુજરાત
News of Monday, 9th September 2019

ભીખ મંગાવવા કેસમાં વધુ આરોપીની કરાયેલ ધરપકડ

આંતરરાજય કૌભાંડમાં ઘણા ચોંકાવનારા ખુલાસા : સુરત-પૂણેમાંથી ચાર બાળકીના અપહરણ અંગેનો ખુલાસો

અમદાવાદ, તા.૯ : રાજ્યમાંથી બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ તેમજ ચોરી કરાવવાના ચકચારભર્યા કૌભાંડમાં શહેર ક્રાઇમબ્રાંચે આખરે વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. હાલમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના પુત્ર બેતાબ ઉર્ફે શિવમ આનંદ સલાટની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં એવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા કે, આરોપીઓની ગેંગ દ્વારા બાળકીઓને પોમી અને ચોકલેટની લાલચ આપી અપહરણ કરી લેતાં હતા અને બાદમાં તેઓની પાસેથી ભીખ મંગાવવામાં આવતી હતી અને તેઓને જુદી જુદી રીતે ત્રાસ આપી ભીખ માંગવા મજબૂર કરાતા હતા. અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને વડોદરા ઉપરાંત, સુરત અને પૂણેમાંથી પણ ચાર બાળકીઓનું આરોપીઓએ અપહરણ કર્યું હોવાનો બહુ મોટો ખુલાસો સામે આવ્યો હતો. અગાઉ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપ્યા હતા અને ૧૦થી વધુ બાળકોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ તમામ બાળકોના ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં ચાર બાળકોના ડીએનએ મેચ ન થયા હોવાનો ખુલાસો થયો છે. બે બાળકીઓનું સુરતથી અપહરણ કરી અમદાવાદ લવાઈ હતી જ્યારે એક બાળકીનું પૂણેથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય એક બાળકીને કમલા નામની મહિલા આરોપી આ ગેંગને સોંપી ગઈ હતી.

          આરોપી બેતાબ ઉર્ફે શિવમની પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે, માતા આનંદી સલાટ તેનો ભાઈ આનંદ, ઈનેશ અને રાજેશ તેમજ સંપત મદ્રાસી સાથે મળી અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને વડોદરા જેવા શહેરો અને જ્યાં મેળો ભરાતો હોય ત્યાં રમકડાં વેચવાના બહાને જતા હતા. સુરત જેવા મોટા રેલવે સ્ટેશન પર જતા હતા. ત્યાં ભીખ માંગતા પરીવાર અને ગરીબ પરિવારના બાળકોને ટાર્ગેટ કરી અપહરણ કરી લેતા હતા. આ બાળકીઓને અમદાવાદના વટવામાં તેની માતા અને ભાઈના મકાનમાં લાવી અને રાખતા હતા. મહિલા ક્રાઈમ બ્રાન્ચે જ્યારે ૧૦થી વધુ બાળકો આરોપી આનંદી સલાટ પાસેથી છોડાવ્યા ત્યારે આ બાળકો તેના અને તેમના પરિવારના હોવાનું કહ્યું હતું, જેથી પોલીસે તમામના ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા. આ ડીએનએ ટેસ્ટમાં પોમી, ચોકલેટ અને અન્ય ૨ બાળકીઓના ડીએનએ આરોપી મહિલા સાથે મેચ થયા ન હતાં. જેમાં પોમી અને ચોકલેટની લાલચ આપી પાંચ વર્ષ પહેલાં સુરત રેલવે સ્ટેશનથી અપહરણ કરી લઈ આવ્યા હતા. જ્યારે એક બાળકીને પૂણેથી ઉપાડી લીધી હતી.

બાળકોને હાથે પગે પાટા બાંધી અને ભીખ મંગાવતા હતા. તેઓ પાસે ચોરીઓ પણ કરાવતા હતા. જો કોઈ બાળક આનો વિરોધ કરે તો તેને મારતા પણ હતા. પોલીસે હવે સમગ્ર કૌભાંડમાં બહુ મહત્વની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(10:15 pm IST)