ગુજરાત
News of Monday, 9th September 2019

દિવ્યાંગોને સમાજમાં મુખ્ય પ્રવાહમાં જોડવાનું લક્ષ્યાંક

૫૧ દિવ્યાંગ યુગલોનો લગ્ન સમારંભ

અમદાવાદ, તા.૯ :  દિવ્યાંગ લોકો માટે કાર્યરત ચેરિટેબલ સંસ્થા નારાયણ સેવા સંસ્થાને ૫૧ દિવ્યાંગ યુગલોનાં લગ્ન કરાવવા માટે તેના સ્માર્ટ ગામમાં લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું. આ ૩૩મા લગ્ન સમારંભમાં ૫૧ દંપતિઓને પહ્મશ્રી કૈલાશ માનવ અગ્રવાલનાં આશીર્વાદ મળ્યાં હતાં, જેઓ નારાયણ સેવા સંસ્થાનનાં સ્થાપક છે. ઉપરાંત કમલા દેવી અગ્રવાલ, પ્રેસિડન્ટ પ્રશાંત અગ્રવાલ, ડાયરેક્ટર વંદના અગ્રવાલ અને વરિષ્ઠ અધિકારીઓ સહિતના મહાનુભાવો પણ દિવ્યાંગ નવયુગલોને ખાસ આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન સમારંભ દરમિયાન શ્રી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે, દિવ્યાંગ લોકોને સમાજનાં મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અમે થોડાં અભિયાન ચલાવ્યાં છે, જેમ કે નિઃશુલ્ક સુધારાત્મક સર્જરી, વ્યાવસાયિક અભ્યાસક્રમ, મફત પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ કરાવવી, દિવ્યાંગ સામૂહિક લગ્ન સમારંભ અને દિવ્યાંગ ટેલેન્ટ શોનું આયોજન કરવું વગેરે અન્ય પ્રયાસ કર્યા છે. ઉપરાંત એનએસએસ ભારતમાં દિવ્યાંગો માટે કૃત્રિમ અંગ માપવા અને વિતરણ શિબિરનું સંચાલન કરે છે. આ તમામ પ્રયાસોનાં પરિણામે સામૂહિક લગ્ન સમારંભમાં સામેલ થનાર દંપત્તિઓને સંસ્થામાં સુધારાત્મક સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને હવે પોતાનું નવું જીવન શરૂ કરવા માટે તેમણે પોતાનાં કૌશલ્યની તાલીમ પણ પૂરી કરી છે.

          આ લગ્ન સમારંભનું શાનદાર આયોજન થયું હતું અને દિવ્યાંગ યુગલોને સ્વપ્નને સાકાર કરવા માટે તથા આજીવન યાદગાર અનુભવ પ્રદાન કરવા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી. નારાયણ સેવા સંસ્થાને ૧૯ વર્ષનાં ગાળામાં આ પ્રકારનાં ૩૨ સામૂહિક લગ્ન સમારંભોનું આયોજન કર્યું છે. ફકત પોતાની શારીરિક અક્ષમતાઓ છતાં તમામ યુગલોએ સામૂહિક લગ્ન સમારંભમાં ઉત્સાહ અને અપાર ખુશી સાથે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વરવધૂઓએ પરંપરાગત રિવાજો પૂર્ણ કર્યા હતા અને એકબીજાનાં ગળામાં વરમાળા પહેરાવી હતી તથા આયોજનમાં ઉપસ્થિત વડીલોનાં આશીર્વાદ લીધા હતાં. આ સમારંભમાં લગ્નગ્રંથિથી જોડાયેલા દિવ્યાંગ દંપતિ ગુંજા અને જિતેન્દ્ર પહેલીવાર ધોરણ ૧૦માં મળ્યાં હતાં. એનાં નવ વર્ષ પછી તેઓ એકબીજાનાં જીવનસાથી બની ગયા છે. ગુંજાએ જણાવ્યું હતું કે, નારાયણ સેવા સંસ્થાને એની પોલિયોની સારવાર કરવામાં મદદ કરી છે અને હવે ૩૩મા શાહી સામૂહિક લગ્ન સમારંભનું આયોજન કરીને તેમને જીવનસાથી સાથે જોડવામાં પણ મદદ કરી છે.

(10:08 pm IST)