ગુજરાત
News of Monday, 9th September 2019

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હજુ જારી : વલસાડમાં ૭ ઇંચ વરસાદ

વલસાડ ઉપરાંત બારડોલી, સોનગઢ, ખેરગામ, ડોલવણમાં ચાર ઇંચ : હિલસ્ટેશન સાપુતારામાં પણ અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાઇ ગયો : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત

અમદાવાદ, તા. ૯ : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર યથાવતરીતે જારી રહી છે. વલસાડમાં છ કલાકમાં જ સાત ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ આજે જોવા મળી હતી. બીજી બાજુ રાજ્યના અનેક ભાગોમાં છ ઇંચ સુધીનો વરસાદ થયો છે. બારડોલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જ્યારે સોનગઢ અને ખેરગામમાં ચાર-ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આવી જ રીતે ડોલવણ અને વધઈમાં પણ ચાર-ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે. તાપીના સોનગઢમાં ચાર ઇંચથી વધુ વરસાદથી ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. આવી જ રીતે આહવામાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન ઉપર પ્રતિકુળ અસર થઇ છે. સાપુતારામાં અઢી ઇંચથી વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ જારી રહ્યો હતો. રાજકોટ, ભાવનગર, પોરબંદર અને અન્યત્ર વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત કચ્છના મોટાભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના જે ભાગોમાં ભારે વરસાદ થયો છે જેમાં અમરેલીનો સમાવેશ થાય છે. રાજકોટમાં આજે સતત બીજા દિવસ ભારે વરસાદ થયો હતો અને બે કલાકના ગાળામાં જ બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ ભારે વરસાદ જારી રહી શકે છે. ચેતવણી અકબંધ રાખવામાં આવી છે.

        આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટર-કચ્છના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદી માહોલ રહ્યો છે. વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયો હતો. પરંતુ જુલાઈ મહિનામાં ધોધમાર અને ખાસ કરીને ઓગસ્ટ મહિના વરસેલા સાર્વત્રિક વરસાદે ગુજરાત રાજયનું ચિત્ર બદલી નાખ્યું છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં અને ચાલુ સપ્ટેમ્બર માસના પ્રથમ નવ દિવસમાં મેઘરાજાએ  જોરદાર ધડબડાટી બોલાવી હતી. જેને પગેલ અત્યાર સુધીમાં ગુજરાત રાજયમાં સીઝનનો ૧૧૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના ૨૦૪ ડેમોમાં ૮૦.૬૯ ટકા અને સરદાર સરોવર ડેમમાં ૯૨ ટકા જળ સંગ્રહ થતા આગામી બે વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણીનો કકળાટ નહિં રહે. આ વખતના ઘણા સારા અને સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળાશયો-ડેમોમાં ૮૦.૬૯ ટકા અને સરદાર સરોવરમાં ૯૧.૩૩ ટકા જળ સંગ્રહ થઇ ગયો છે. ગુજરાતના ૨૦૪ ડેમોમાં ૮૧.૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે ૯૧.૨૬ ટકા પાણી ભરાયું છે. જેથી બે વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણીનો કકળાટ નહિં રહે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ ડેમોમાં ૭૫.૩૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૯ ડેમોમાં ૭૫ ટકા અને ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.

           ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો ૮૯૮ મિમી એટલે કે ૧૧૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેથી ગુજરાતના ૨૦૪ ડેમોમાંથી ૧૦૧ ડેમોને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જ્યારે ૧૮ ડેમોમાં ૮૦-૯૦ ટકાથી વધુ પાણી સંગ્રહ થતા એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ૭ ડેમોમાં ૭૦-૮૦ ટકા પાણી હોવાથી વોર્નિંગ અપાઈ છે. સરદાર સરોવર ડેમની સપાટી હોલ ૧૩૬ મીટરે પહોંચી છે. ડેમના મુખ્ય ઈજનેર મુજબ હજુ ડેમનો પ્રવાહ ચાલુ હોવાથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ડેમની સપાટી ૧૩૮ મીટરને પાર થઈ જશે. આજે નર્મદા ડેમના ૨૪ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણીની જળસપાટી યોગ્ય સ્તરે જાળવી રાખવાનો પ્રયાસ થયો હતો. ગુજરાતમાં હજુ સુધી ૧૦૯.૯૯ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. વરસાદી માહોલ  જારી રહેવાની આગાહી કરાઈ છે.

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૯ : ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આંક નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

વલસાડ................................................ ૭

બારડોલી............................................... ૫

સોનગઢ................................................ ૪

ખેરગામ................................................ ૪

ડોલવણ................................................ ૪

વધઇ................................................... ૩

આહવા................................................. ૪

સાપુતારા............................................... ૩

રાજકોટ................................................. ૨

(8:36 pm IST)