ગુજરાત
News of Monday, 9th September 2019

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાની બહેડીયા પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરાતા ગ્રામજનોમાં આક્રોશઃ શાળાને તાળાબંધી

ખેડબ્રહ્મા, તા. ૯ :. સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા તાલુકાની બહેડીયા પ્રાથમિક શાળાએ જતા બાળકોને જોખમ હોવાની ખાત્રી આચાર્ય દ્વારા થઈ હતી. શાળાના આચાર્ય શકાભાઈ પરમારે ઘોઘુ (પાણીનુ વહેણ)માંથી પસાર થતા બાળકોનો વિડીયો લેતા શિક્ષણ સમિતિએ તાત્કાલિક અસરથી જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કર્યા હતા.

ખેડબ્રહ્મા તાલુકાના બહેડીયા ગામની પ્રાથમિક શાળાએ જતા બાળકોના વિડીયો બાદ આચાર્ય સસ્પેન્ડ થયા છે. જેનાથી નારાજ બની ગ્રામજનોએ સોમવારે ઉઘડતી શાળાએ પહોંચી તાળાબંધી કરતા કોલાહલ મચી ગયો છે. આચાર્યનું સસ્પેન્સન રદ્દ કરી સમસ્યા સામે અવાજ ઉઠાવનારને સજા કેમ આપી ? તે સહિતની માંગ સાથે ગ્રામજનો લાલઘુમ બન્યા છે. આ તરફ શિક્ષણ કચેરી દ્વારા કાયદો અને વ્યવસ્થા જોખમાતો હોવાનો પત્ર લખાયો હોય પોલીસમાં દોડધામ બની છે.

સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા તાલુકાની બહેડીયા પ્રાથમિક શાળાએ જતા બાળકોને જોખમ હોવાની ખાતરી આચાર્ય દ્વારા થઈ હતી. શાળાના આચાર્ય શકાભાઈ પરમારે ઘોઘુ (પાણીનુ વહેણ)માંથી પસાર થતા બાળકોનો વિડીયો લેતા શિક્ષણ સમિતિએ તાત્કાલિક અસરથી જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કર્યા હતા. આ તરફ ગામલોકોએ આચાર્યનું કદમ બિરદાવી શિક્ષણ સમિતિના નિર્ણયને અયોગ્ય ગણી પડકાર આપ્યો છે. સોમવારે મોટી સંખ્યામાં ગામલોકો શાળાએ પહોંચી કોલાહલ મચાવ્યો હતો.

જ્યાં સુધી આચાર્યનું સસ્પેન્શન રદ્દ કરી શાળામાં પરત ન લેવાય ત્યાં સુધી તાળાબંધી કરતા હડકંપ મચી ગયો છે. શાળાએ તાળાબંધી કરતા સોમવારે શિક્ષણકાર્યને અસર થતા જિલ્લા પંચાયતથી માંડી વહીવટી આલમમાં દોડધામ મચી ગઈ છે. સૂત્રોએ જણાવ્યુ હતું કે આચાર્યને સસ્પેન્ડ કરતા ગામમાં કાયદો અને વ્યવસ્થા જોખમાઈ શકે તેવી ખાત્રી અગાઉથી હોય પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શનિવારે જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને પત્ર લખી ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જાણ કરી હતી. આથી સોમવારથી તાળાબંધીને પગલે ગામમાં ચકચાર મચી ગઈ છે.

(5:07 pm IST)