ગુજરાત
News of Monday, 9th September 2019

નવરાત્રી સુધી મેઘસવારી ચાલુ રહે તો પણ નવાઈ નહિં!

આજે પણ સૌરાષ્ટ્રના ૨૦ટકા વિસ્તારોમાં (કોઈ- કોઈ જગ્યાએ) ભારે ખાબકશેઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સંભાવનાઃ આવતા બે સપ્તાહમાં ચોમાસુ વિદાય લ્યે તેવી શકયતાઃ ત્યારબાદ પણ લોકલ વાદળનો અસરથી વરસતો રહેશે

સવારે ૧૦ વાગ્યે લેવાયેલ ઈનસેટ તસવીરમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર વાદળાઓ છાવાયેલા જોવા મળે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગો ઉપર માત્ર આછા વાદળો દર્શાય છે.

રાજકોટ,તા.૯: આ વખતે ધરાઈ જાય તેવી મેઘરાજાએ કૃપા વરસાવી છે. છેલ્લા બે થી ત્રણ દિવસથી તો કોઈ- કોઈ જગ્યાએ એકદમ ધોધમાર વરસી જાય છે. માત્ર એક થી બે કલાકમાં જ સાત થી આઠ ઈંચ ખાબકી જાય છે. દરમિયાન આજે પણ સૌરાષ્ટ્રના ૨૦ ટકા વિસ્તારમાં ભારે ખાબકશે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદની શકયતા રહેલી છે. આ વર્ષે વરસાદ ભલે મોડો શરૂ થયો પરંતુ નવરાત્રી સુધી ચાલુ રહે તેવી હાલના અનુમાન મુજબ પુરેપૂરી શકયતા રહેલી છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર- કચ્છમાં કાંઠાળા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. હાલમાં એક સિસ્ટમ્સ મધ્ય ભારત ઉપર છે. જે આવતીકાલે સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપર આવશે. તેમજ એક નવી સિસ્ટમ્સ પણ બની રહી છે.

આગામી દિવસોમાં પણ ઓછાવતા પ્રમાણમાં વરસાદ પડતો રહેશે. ૧૫ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય લેશે. આ વખાતે ચોમાસુ મોડુ શરૂ થયું પણ ઓગષ્ટ મહિનામાં દેશભરમાં ધમધોકાર વરસાદ પડયો છે. સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ધારણા કરતાં વધુ વરસી ગયો છે. નદીનાળા ડેમો છલકાવી દીધા છે. બે સપ્તાહમાં ચોમાસુ લગભગ વિદાય લેશે. ત્યારબાદમાં લોકલ ફોર્મેશનના વાદળો વરસાદ લાવે જેને પાછોતરો વરસાદ પણ કહી શકાય. હાલના અનુમાનો જોતા નવરાત્રી સુધી એટલે કે આ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ બની રહેશે.(૩૦.૪)

 

(1:12 pm IST)