ગુજરાત
News of Monday, 9th September 2019

નર્મદાની સપાટી ઘટાડવા માટે ૨૪ દરવાજા ખુલ્યા

ઉપરવાસમાં ભારે વરસાદથી આવક

અમદાવાદ, તા.૯ : મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદને પગલે ઇન્દિરાસાગર ડેમના ૧૨ ગેટ અને ઓમકારેશ્વર ડેમના ૧૬ ગેટ ખોલાયા છે. જેથી કેવડિયા ખાતે નર્મદા ડેમમાં ૬.૬૧ લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમના ૨૩ દરવાજા ૩.૬ મીટર સુધી ખોલીને ૮ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સતત આવક વધતાં હાલ ડેમની સપાટી ઘટાડીને ૧૩૬.૧૫ મીટર કરવામાં આવી છે. નર્મદા ડેમની જળસપાટીમાં ૧૩ સેમીનો વધારો નોંધાયો હતો. નર્મદા ડેમમાંથી ૮ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

           નર્મદા નદી કાંઠાના વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ૪૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોમાં અને નદીકાંઠાના ક્ષેત્રોમાં ટીમો પણ ખડકી દેવામાં આવી છે. ગોરા બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેથી બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી નર્મદા ડેમની સપાટી ૧૩૬.૨૨ મીટર હતી, જો કે, ડેમમાંથી પાણી છોડીને ડેમની સપાટી ઘટાડીને ૧૩૬.૦૨ મીટર કરવામાં આવી છે. નર્મદા ડેમમાં હાલ ૪૮૭૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી ૨૪ ફૂટ ઉપર પહોંચી ગઇ છે. નર્મદા નદી બે કાંઠે વહેતાં આસપાસના તટીય વિસ્તારના લોકોને પણ સાવધાન કરવામાં આવ્યા છે.

(8:39 pm IST)