ગુજરાત
News of Sunday, 9th August 2020

અમદાવાદમાંથી લાખોના નકલી માસ્ક ઝડપાઇ ગયા

નકલી ઇન્જેક્શન બાદ હવે માસ્કનો જથ્થો ઝડપાયો : કુલ ૧૭૮૦ નંગ માસ્ક કબજે કરાયા છે જેની કિંમત ૮૯૦૦૦૦ છે : ચાર આરોપીઓની ધરપકડ કરાઈ

અમદાવાદ, તા. ૯ : કોરોના વાઈરસનાં વધતા જતા ચેપ વચ્ચે બજારમાં સેનેટાઇઝર અને માસ્કનાં વેચાણમાં અનેક ગણો વધારો થયો છે. અમદાવાદમાં નકલી ઇન્જેક્શન બાદ હવે લાખો રૂપિયાના નકલી માસ્ક ઝડપાયા હતા.

 હાલ કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકો મોત અને જીંદગી વચ્ચે જજુમી રહ્યાં છે, ત્યારે લોકોના ડરને કેટલાક લોકોએ વેપાર બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અગાઉ કોરોના વાઈરસની સારવાર માટે વપરાતા નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા. વાઈરસથી બચવા લોકો જે માસ્ક પહેરે છે, તેનો નકલી માસ્કનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે. પીસીબીને જાણકારી મળી હતી કે, સોનીની ચાલી પાસે આવેલા સુમેળ બિઝનેસ પાર્કમાં ૩એમ ૮૨૧૦ કંપનીના એન-૯૫ના નકલી માસ્ક વેચતા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે કંપનીના માણસો સાથે રેડ કરી હતી.

         જેના આધારે ૩૦૯ નંબરની દુકાનમાંથી કંપનીના નકલી માસ્ક કબ્જે કર્યા હતાં.કુલ ૧૭૮૦ નંગ માસ્ક જેની કિંમત ૮,૯૦,૦૦૦ છે, તે કબ્જે કરીને ૪ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં કિરણ નાનજીભાઈ જેઠવા,કમલેશકુમાર ધનરાજભાઈ મહેતા, નિરજ સુરેશભાઈ ભાટિયા અને ઘનશ્યામ નાનકરામ નાગરાણીની ધરપકડ કરી છે, જયારે કમલેશ ગંગવાણીને પોલીસે વોન્ટેડ બતાવ્યો છે. તમામ આરોપીઓ સામે વિરુદ્ધ છેતરપિંડી અને કોપીરાઇટનો ગુનો નોધીને કાર્યવાહી શરૂ કરી હતી.

(9:57 pm IST)