ગુજરાત
News of Friday, 9th August 2019

રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર ખોલવા પડશે નર્મદા ડેમના દરવાજા: ત્રણ જિલ્લાને એલર્ટ

મધરાત્રે જ ડેમ ઓવરફ્લો થવાની શકયતા :પાણીની જોરદાર આવક

 

નર્મદા ;ઉપરવાસની જોરદાર પનીની આવકને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં જબરો વધારો થઇ રહ્યો છે. હાલ ડેમની સપાટી 130.10 સુધી પહોંચી છે, પરંતુ 131 મીટરે પાણીની સપાટી પહોંચશે તો ગમે તે ક્ષણે ડેમના દરવાજા ખોલવા પડશે. ડેમ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બની શકે કે  ગુરુવારે રાતે એટલે કે શુક્રવારે વહેલી સવારે વાગ્યે ડેમના દરવાજા ખોલવા પડશે.

 


નર્મદા ડેમમાં 6 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે હાલ ડેમની સપાટી 130.10 મીટર સુધી પહોંચી છે. દર કલાકે 32 સેમીનો પાણીનો વધારો થઇ રહ્યો છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની મંજુરી આપી છે

   તંત્રના જણાવ્યા પ્રમાણે ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે, જેને ધ્યાને રાખી એવું લાગી રહ્યું છે કે શુક્રવારે વહેલી સવારે 1 વાગ્યે ડેમની સપાટી 131 મીટર સુધી પહોંચી જશે. આથી ડેમના દરવાજા ખોલવા પડી શકે છે. તો ડેમના દરવાજા ખોલવાની શક્યતાને લઇને રાજ્યના ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વડોદરા, ભરુચ, નર્મદા જિલ્લાના કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ અપાયું છે.

   નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ થઇ ગયું છે. જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે કર્યો આદેશ કર્યો છે, જેમાં કલાસ -1 અધિકારીને વિવિધ કાંઠા વિસ્તારનાં 42 ગામોની ડીઝાસ્ટર સંબંધી જવાબદારી સોંપાઈ છે. અધિકારીઓને મામલતદાર, સરપંચ,તલાટી અને પોલીસ સાથે સંકલન રાખવા સૂચના અપાઇ છે. રાહતની કામગીરી કરવાની સાથે ટ્રેકટર, jcbની વ્યવસ્થા રાખવા સૂચના અપાઇ છે. કેટલા પ્રમાણમાં પાણી છૂટે તે પ્રમાણે કામગીરી કરવી. તમામ 10 અધિકારીઓની કાલે બપોરે 1 કલાકે કલેક્ટરે બેઠક બોલાવી. તકેદારીના ભાગરૂપે જ સૂચના અપાઈ છે.

(9:57 pm IST)