ગુજરાત
News of Friday, 9th July 2021

સુરતના ભેસ્તાન ત્રણ રસ્તા નજીક પુરપાટ ઝડપે જતા ડમ્પર ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ફરજ બજાવી રહેલ મહિલા પોલીસ કર્મીનું મોત

સુરત:શહેરનાભેસ્તાન ત્રણ રસ્તા પાસે આજે વહેલી સવારે પુરપાટ ઝડપે આવેલા ડમ્પરચાલકે બે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ફરજ બજાવતા મહિલા પોલીસ અને પોલીસજવાનને રીક્ષાના લીધે ઇજા થઇ હતી. ગંભીર ઇજા પામેલા એક મહિલા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. જયારે એેેક પોલીસજવાન અને રીક્ષાના બે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મહિલા લોકરક્ષક લીનાબેન બચુભાઈ ખરાડી, પોલીસ કોન્સ્ટેબલ જયશ્રીબેન ભાયલુભાઇ તથા ગોવિંદભાઇ ભવાનભાઇ અને હોમગાર્ડ આબિદનિલેશસમાધાનબ્રિજેશ ગત રાત્રે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરતા હતા.તે સમયે વહેલી સવારે ઉધના તરફથી પુરઝડપે હંકારીને આવતા ડમ્પર (જી.જે-16-એ-વી-8200)ચાલકે બે રીક્ષાને અડફટે લીધી હતી. જેથી એક રીક્ષા પલટી થતા લીનાબેન (ઉ.32, રહે- પાંડેસરામાં સાંઇબાબા સોસાયટી)ને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. બીજી રીક્ષાની ટક્કર ગોવિંદભાઇને લાગતા ઇજા થઇ હતી. ડમ્પરને  ઉભુ રાખવા માટે તેની પાછળ હોમગાર્ડ અને રીક્ષા ચાલક દોડયા હતા.પણ ચાલક ડમ્પર સાથે એક રીક્ષાને અંદાજીત અડધો કિલોમીટર સુધી ઘસડી અને બાદમાં ડમ્પર મુકીને ભાગી ગયો હતો.

ઇજાગ્રસ્ત પોલીસજવાન ગોવિંદ તથા રીક્ષાના મુસાફર જીસાન અને અશરફને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે જાણ થતા પાંડેસરા પોલીસ મથકના પીઆઇ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કાર્યવાહી કરીને લીનાબેનના મૃતદેહને નવી સિવિલમાં ખસેડાયો હતો. આજે સવારે નવી સિવિલના પીએમ રૃમની બહાર પોલીસ કર્મીઓએ લીનાબેનને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ. લીનાબેન મુળ બનાસકાંઠાના વતની હતા. તેમને બે સંતાન છે. પાંડેસરા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની અટક કરવા તજવીજ હાથ ઘરી છે.

(5:21 pm IST)