ગુજરાત
News of Friday, 9th July 2021

ગાંધીનગર નજીક દારૂની ભઠ્ઠીઓ પર એલસીબીની ટીમે દરોડા પાડી 7800 લીટર વોશ કબ્જે કર્યો

ગાંધીનગર:શહેર નજીક કોટેશ્વર ગામની પાછળ સાબરમતી નદીમાં વર્ષોથી દેશી દારૃની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યારે ગઈકાલે ગાંધીનગર એલસીબીની ટીમે આ દેશી દારૃની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડયા હતા અને અલગ અલગ નવ ભઠ્ઠીઓ ઉપરથી ૭૮૦૦ લીટર વોશ કબ્જે કર્યો હતો. જયારે મહિલા બુટલેગર સહિત નવ સામે અડાલજ પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડાઈ રહયો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે દેશી દારૃની હાટડીઓ ચાલતી હોય છે. ગાંધીનગર શહેર નજીક ભાટ કોટેશ્વર ગામની સીમમાં સાબરમતી નદીમાં મોટા પાયે દેશી દારૃની ભઠ્ઠીઓ વર્ષોથી ધમધમી રહી છે. આ ભટ્વીઓમાંથી અમદાવાદમાં પણ દેશી દારૃનો જથ્થો પુરો પાડવામાં આવી રહયો છે. ગાંધીનગર સહિત અમદાવાદ પોલીસે પણ અહીં સંખ્યાબંધ દરોડા પાડયા હોવા છતાં આ ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી ત્યારે કોટેશ્વર ગામની સીમમાં સાબરમતી નદીના પટમાં ગઈકાલે ગાંધીનગર એલસીબીની ટીમે ઓચિંતા જ દરોડા પાડયા હતા. જો કે બુટલેગરોને આ દરોડાની ગંધ આવી જતાં તે ભાગી જવામાં સફળ રહયા હતા. પોલીસે આ અલગ અલગ ભઠ્ઠીઓ ઉપરથી કુલ ૭૮૦૦ લીટર દારૃ ગાળવાનો વોશ કબ્જે કરીને તેનો નાશ કર્યો હતો અને મહિલા બુટલેગર સહિત નવ વ્યક્તિઓ સામે અડાલજ પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસના અવારનવાર દરોડા બાદ પણ ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી.

(5:16 pm IST)