ગુજરાત
News of Thursday, 9th July 2020

ચેમ્બરમાં પોતાના માણસો સેટ કરવા ચૂંટણીના ડિંડકનો આક્ષેપ

ગુજરાત ચેમ્બરની ચૂંટણીનો વિવાદ : ચૂંટણી શક્ય ન હોય તો સિલેક્શનથી હોદ્દેદાર નિમવા વાઈસ પ્રેસિડેન્ટના ઉમેદવારની એપેક્ષ કમિટિને રજૂઆત

અમદાવાદ, તા. : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી કોરોનાની મહામારી ને કારણે સ્થગિત કરવામાં આવી છે. ત્યારે હજુ મહામારી લાંબો સમય ચાલે તેવી શક્યતા હોવાથી વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ભાવેશ લાખાણીએ ચેમ્બરની એપેક્ષ કમિટી સમક્ષ એવી રજૂઆત કરી છે કે જો ઇલેક્શન શક્ય ના હોય તો સિલેક્શન કરી નવા હોદ્દેદારોની નિમણૂક કરી દેવી જોઈએ જેથી  કામગીરી શરૂ થઈ જાય. લાખાણી દ્વારા એવા આક્ષેપ પણ કરાયા છે કે પોતાના માણસોને સેટ કરવા માટે  પૂર્વ હોદ્દેદારો દ્વારા ચૂંટણી કરાવવાનો દુરાગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ગુજરાતના વેપારીઓમાં પ્રતિષ્ઠિત  એવા ચેમ્બરના હોદ્દેદારો બનવા માટે ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી તમામ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી દીધું હતું.

             ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા કોરોના ની આવી વિકટ પરિસ્થિતિમાં ચુંટણી કરવી જોખમી હોવાનું જણાવી ચૂંટણી સ્થગિત કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. જેને પગલે ૧૧મી જુલાઈના રોજ યોજાનારી ચેમ્બરની ચૂંટણી હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ છે. ત્યારે ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી કરી રહેલા ભાવેશ લાખાણીએ ચેમ્બરની એપેક્ષ કમિટી સમક્ષ એવી રજૂઆત કરી છે કે કોરોનાની મહામારી દિવસે-દિવસે વધતી જઈ રહી છે એટલે આગામી દિવસોમાં પણ ચૂંટણી યોજવી શક્ય બને તેમ નક્કી માની શકાય નહીંમાટે ચેમ્બરની વર્તમાન ટીમ ને સ્થાને નવા હોદ્દેદારો માટે ઇલેક્શન ના બદલે સિલેક્શન કરી ટીમ તૈયાર કરવી જોઈએ.જો સિલેક્શન દ્વારા હોદ્દેદારોની ટીમ તૈયાર થઈ જાય તો ચેમ્બરની કામગીરી ફરીથી ધમધમતી થઈ જાય. આટલું નહીં ભાવેશ લાખાણીએ એવા પણ આક્ષેપ કર્યા છે કે ચેમ્બરના ભૂતપૂર્વ હોદ્દેદારો પોતાના માણસોને સેટ કરવા માટે ચૂંટણી કરાવવા માટે ભાર મૂકી રહ્યા છે જે જોખમી સાબિત થઇ શકે છે.

(10:21 pm IST)