ગુજરાત
News of Monday, 9th July 2018

પાટીદારોની શહીદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ

સ્વૈચ્છિકરીતે શહીદ યાત્રામાં લોકો સામેલ થયા : ઘાટલોડિયા, કેકેનગર સહિતના વિસ્તારોમાં ફરીને શહીદ યાત્રાએ પાટીદાર માંગ ઉગ્ર બનાવી : શહીદોને શ્રધ્ધાંજલિ

અમદાવાદ,તા.૮ : પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા ૧૪ પાટીદાર યુવાનોની શહીદ યાત્રા આજે અમદાવાદ આવી પહોંચતા પાટીદાર યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને શહીદ પાટીદાર યુવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. અમદાવાદમાં પાટીદારોની શહીદ યાત્રા આવી તે જ ટાણે પાટીદાર નેતા હાર્દિક પટેલે ફરી એકવાર પાટીદાર સમાજ માટે અનામતની માંગણીને લઇ તા.૨૫ ઓગસ્ટથી ઉપવાસ આંદોલનની જાહેરાત કરતાં પાટીદાર યુવકોએ તેને વધાવી લીધી હતી. તો, બીજીબાજુ, હાર્દિકના ઉપવાસ આંદોલનના એલાનને લઇ સરકાર ફરી એકવાર મંૂંઝવણમાં મૂકાઇ છે. ઉંઝાના ઉમિયાધામથી પાટીદાર શહીદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદયાત્રા જે જે વિસ્તારોમાંથી નીકળી રહી છે ત્યાં પાટીદાર યુવાનો અને સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઇ તેને સમર્થન આપી રહ્યા છે. સાણંદથી આજે આ શહીદયાત્રા નીકળીને અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા પાટીદાર યુવકોની યાદમાં આજે ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો શહીદ યાત્રામાં અમદાવાદમાં પણ જોડાયા હતા. પાટીદાર યુવાનો અને સમાજના લોકોએ અનામતની માંગણી અને શહીદ યુવકોના પરિજનોને ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા. શહીદયાત્રામાં જોડાયેલા પાટીદાર સમાજના લોકોના માથામાં પાટીદાર ટોપી પણ ધ્યાન ખેંચતી હતી. પાટીદારોની આ શહીદ યાત્રામાં મા ઉમિયા, ખોડલ, સરદાર પટેલ અને શહીદોની પ્રતિકાત્મક તસ્વીરો સાથે ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો જોડાઇ ૩૪ દિવસમાં રાજયભરમાં ચાર હજાર કિ.મીની યાત્રા ખેડી કાગવડના ખોડલધામ પહોંચશે અને ત્યાં વિશાળ જનસભામાં ફેરવાશે. શહીદ પાટીદાર યુવકોની યાદમાં ઉંઝાના ઉમિયાધામથી નીકળેલી શહીદ યાત્રા ઉત્તર ગુજરાતના વડાલી, હિમંતનગર, પાલનપુર, પાટણ થઇ તા.૧લી જૂલાઇએ સુરત પહોંચી હતી. જયાં તેને બહુ મોટુ સમર્થન પ્રાપ્ત થયું હતુ અને પાટીદાર સમાજે શહીદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી શહીદ યુવકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.  જો કે, સુરતમાં શહીદ યાત્રા દરમ્યાન હુમલાનું છમકલું સામે આવતાં તેની સુરક્ષાને લઇ પોલીસ સામે ગંભીર સવાલો ઉઠયા હતા. દરમ્યાન આજે આ શહીદયાત્રા અમદાવાદ આવી પહોંચી હતી અને શહેરના બોપલ, ઘાટલોડિયા, કે.કે.નગર, હીરાવાડી, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિવિધ વિસ્તારોમાં શહીદયાત્રા ફરીને પાટીદારોના ન્યાય માટેની પોતાની માંગણી ઉગ્ર અને બળવત્તર બનાવી હતી. યાત્રામાં જય પાટીદારના નારાઓ લાગ્યા હતા.

(9:13 pm IST)