ગુજરાત
News of Saturday, 9th June 2018

સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ : તાપમાનમાં ઘટાડો

ગીર પંથક, ઉનામાં વરસાદી ઝાપટા પડ્યા : ગુજરાતમાં પણ ૧૩મી જૂન સુધીમાં ચોમાસુ બેસી જવાની પ્રબળ વકી : અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ

અમદાવાદ, તા.૯ : મુંબઈમાં ભારે વરસાદના દોર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ આજે વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાના કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો હતો. આજે ગીર પથંકના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ ગીરસોમનાથના જુદા જુદા ભાગોમાં વરસાદ થયો હતો. ચોમાસાની એન્ટ્રી થઈ હોવાની સંકેતો મળવા લાગી ગયા છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ ૧૩મી જૂન સુધી ચોમાસુ બેસી જાય તેવી સંકેત મળી રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૫મી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે કેરળની જેમ જ દેશના અન્ય ભાગોમાં પણ વહેલીતકે મોનસૂનની એન્ટ્રી થઈ રહી છે. આજે ગીર બોર્ડરના ગામડાઓ ખીલાવડ, ફાટસર, ઈટવાયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો. ઉના શહેરમાં પણ અમીછાંટણા થયા હોવાના અહેવાલ મળ્યા છે. બફારાથી લોકોને મોડી સાંજે રાહત મળી હતી. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે અકબંધ રાખી છે. શુક્રવારની સરખામણીમાં શનિવારના દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને ૪૧.૩ ડિગ્રી થયું હોવા છતાં બપોરના ગાળામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તીવ્ર ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. બીજી બાજુ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેથી લોકોને આંશિક રાહત મળી હતી. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમીનો અનુભવ વીવી નગરમાં થયો હતો જ્યાં પારો ૪૧.૩ ડિગ્રી રહ્યો હતો. ગરમીના પ્રમાણ વચ્ચે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ પણ વધ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ બે દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના બે દિવસના ગાળામાં ૩૦ અને ટાઇફોઇડના ૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના બે દિવસના ગાળામાં ૨૩ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા.

જૂન મહિનામાં ઝેરી મેલેરિયાના કોઇ કેસ નોંધાયા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે.

ગુજરાતમાં તાપમાન

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૪૧.૩

ડિસા............................................................. ૩૯.૬

ગાંધીનગર.................................................... ૪૦.૨

ઇડર.................................................................... -

વીવીનગર.................................................... ૪૧.૧

વડોદરા........................................................ ૩૯.૬

સુરત............................................................ ૩૪.૨

વલસાડ........................................................ ૩૫.૪

અમરેલી....................................................... ૩૮.૭

ભાવનગર..................................................... ૪૦.૨

રાજકોટ............................................................ ૩૯

સુરેન્દ્રનગર................................................... ૪૧.૩

ભુજ.............................................................. ૩૯.૬

નલિયા......................................................... ૩૫.૪

કંડલા એરપોર્ટ.............................................. ૩૮.૬

કંડલા પોર્ટ.................................................... ૩૮.૧

(9:20 pm IST)