ગુજરાત
News of Saturday, 9th June 2018

પ્રજાની નજરમાં રહેવા માટે કોંગ્રેસ ખેડૂતોના નામે આંદોલન ચલાવે છે

કર્ણાટક અને પંજાબ જેવા રાજ્યોમાં કોંગ્રેસ આંદોલન કરતું નથી : ગુજરાતમાં પશુપાલક, દુધ ઉત્પાદકોને ૧૦ રૂપિયા સબસીડી મળે છે : સરકાર શૂન્ય ટકા વ્યાજે લોન અને પાકવીમા યોજના ચલાવી રહી છે : ફળદુનો દાવો

અમદાવાદ,તા.૯ : ગુજરાતના કૃષિમંત્રી આરસી ફળદુએ આજે કોંગ્રેસ પાર્ટીની જોરદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ખેડૂતોના નામે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આંદોલન વેળા માર્ગો પર દુધ ઢોળી દેવા, શાકભાજી ફેંકવા જેવી ઘટનાઓ કરીને કોંગ્રેસે ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખ્યા છે. ફળદુએ કહ્યું હતું કે ગુજરાતમાં પશુપાલકોને દુધ ઉત્પાદકોને રૂપિયા ૧૦ જેવી સબસીડી સરકાર આપી રહી છે. સરકાર જુદી જુદી યોજનઆો મારફતે ખેડૂતોની સાથે રહેલી છે. ખેડૂતો અને પ્રજાનું કોંગ્રેસના આંદોલનને કોઈપણ પ્રકારનું સમર્થન નથી તેવો દાવો કૃષિમંત્રીએ કર્યો હતો. કુષિમંત્રી આર.સી.ફળદુએ વિપક્ષ કોગ્રેંસ દ્વારા રાજયમાં ખેડૂતોના નામે ચલાવાઈ રહેલા આંદોલન અને માર્ગો પર દૂધ ઢોળી દેવા, શાકભાજી ફેંકવા જેવી ઘટનાઓની આકરી આલોચના કરી છે. કુષિમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે ખેડૂતોના હિતોને હંમેશા અગ્રતા આપી છે ગુજરાતમાં પશુપાલકોને ગાય અને ભેંસના દૂધની સરકાર દ્વારા ખરીદીમાં રૂ.૧૦ ની સબસીડી અપાય છે પરંતુ  જે વિપક્ષ આંદોલન કરે છે તેમના જ પક્ષની સરકારો દ્વારા કર્ણાટક અને પંજાબમાં કો બે રૂપિયા જેવી નજીવી સબસીડી અપાય એ કોગ્રેંસ કેમ ભૂલી જાય છે ? આર.સી.ફળદુએ પણ ટિપ્પણી કરી કે ખરેખર કોગ્રેંસ આવા આંદોલન કર્ણાટક-પંજાબમાં કરવા જોઈએ પણ કોગ્રેંસ ઘર ભૂલી છે. કુષિમંત્રીએ પણ ઉમેર્યું કે  કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતની વિજય રૂપાણી સરકારે ખેડૂતોને ટેકના ભાવ મગફળી, તુવેર, ચણા, રાયડામાં આપીને ખેડૂતોને શોષણમાંથી બચાવ્યા છે. શાકભાજીના ભવા પણ રોજરોજ એ.પી.એમ.સી મારફતે નિયમિત પણ નિયત્રિંત થતાં હોવાથી રાજયના પ્રજાજનોને વ્યાજબી ભાવે શાકભાજી મળી રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સંદર્ભમાં કુષિમંત્રીએ રાજયમાં રિંગણા, કોબીજ, ટામેટાં. દૂધી, કાકડી, ભીંડા, જેવા શાકભાજીના ૨૦ કિલોના ભાવ ૧૦૦ થી ૭૦૦ સુધીના રહ્યા છે. તેની વિગતો આપી હતી. આર.સી.ફળદુએ કહ્યું કે આ આંદોલાત્મક કાર્યક્રમો આપીને કોગ્રેંસ પોતાના કાર્યકારો દ્વારા મિડિયામાં રહેવાના હવાતીયતા મારે છે હકિકતે રાજયના ખેડૂતવર્ગનો કોઈ ટેકો કે સમર્થન આ આંદોલન છે જ નહીં. કુષિમંત્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાતનો ખેડૂત તેનું હિત સાચવનારી સરકાર ભાજપાની જ છે. તે સારી પેઠે સમજે છે. એટલે કોગ્રેંસના આવા વિરોધના ગતકડામાં ભરમાશે નહિં. ફળદુએ યુપીએ શાસનમાં ખેડૂતોને આત્મહત્યા કરવી પડતી, ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા હતા એ વાતની વિપક્ષને યાદ આપતા કહ્યું કે એ વખતે ખેડૂત પ્રત્યેની તમારી સંવેદના કયાં ખોવાઈ ગઈ હતી ? કુષિમંત્રીએ ગુજરાતમાં ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે લોન, પ્રધાનમંત્રી કુષિ વીમા યોજના અન્વયે પાક વીમો જેવા કિસાન હિતકારી પગલાંઓથી ખેડૂતોની પડખે ઉભી રહેનારી સરકાર છે એમ જણાવતાં કહ્યું કે કોગ્રેંસ ખેડૂતોના નામે જે જુઠ્ઠાણા ચલાવે છે તે ગુજરાતની પ્રજા અને ખેડૂતવર્ગો સુપેરે જાણી ગયા છે અને આંદોલન કોઈ પ્રતિસાદ મળતો નથી.

(9:01 pm IST)