ગુજરાત
News of Saturday, 9th June 2018

અમદાવાદ: ATMમાં જમા માટેના ૧.૩૯ કરોડ લઈ કેશિયર ફરાર થયો

૨૭ બેંકોના એટીએમમાં ઓછા પૈસા જમા કર્યાઃ સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપનીના કસ્ટોડિયન વિરૂદ્ધ કાગડાપીઠ પોલીસમાં ઉચાપતની ફરિયાદ દાખલ

અમદાવાદ,તા.૯: શહેરમાં જુદી જુદી ર૭ બેન્કના એટીએમમાં રૂપિયા ઓછા જમા કરાવીને રૂ.૧.૩૯ કરોડની ઉચાપત કરતાં એક ક્સ્ટોડિયન (કેશીયર) વિરૂધ્ધમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે. ત્રણ મહિનામાં સી.એમ.એસ. ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપનીના કસ્ટોડિયને એટીએમમાં રૂપિયા જમા કરાવવાના ૧.૩૯ કરોડ રૂપિયા ઘર ભેગા કર્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતાં બેંક સત્તાવાળાઓથી માંડી કંપનીના સંચાલકો દોડતા થઇ ગયા હતા. કંપની દ્વારા દરેક એટીએમનું ઓડિટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ ત્યારે રૂ.૧.૩૯ રૂપિયાની ઉચાપત થઈ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેને પગલે

વસ્ત્રાપુર ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતા અને સી.એમ.એસ. ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપનીમાં ફરજ બજાવતા નિલયભાઇ શાહે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારી વિરુદ્ધમાં ૧.૩૯ કરોડ રૂપિયાની ઉચાપત કરવાની ફરિયાદ કરી છે. સી.એમ.એસ. ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપની નેશનલાઇઝ બેન્ક, સરકારી બેન્ક તેમજ ખાનગી બેન્કના એટીએમમાં રૂપિયા મૂકવાનું તેમજ તેનો રોજેરોજનો હિસાબ બેન્કોમાં જમા કરાવવાનું અને એટીએમ રિપેરિંગ કરવાનું કામ કરે છે. સી.એમ.એસ. ઇન્ફો સિ સ્ટમ લિમિટેડ કંપનીમાં ટીમ નંબર ર૬ માં ક્સ્ટોડિયન તરીકે પુર્વિશ ચૌધરી (રહેઃ બી/પ૧૪, તીર્થભૂમિ એપાર્ટમેન્ટ, ઇસનપુર) અને સોનુ ગુપ્તા (રહે. પ૩, રાજનગર, વટવા) તરીકે છેલ્લાં બે વર્ષથી ફરજ બજાવે છે. બન્ને જણા એક જ ટીમમાં છે. તેઓ કુલ ૩૭ એટીએમમાં રૂપિયા જમા કરાવતા હતા. એટીએમ ખોલવા માટે બન્ને જણા પાસે અડધાઅડધા પાસવર્ડ હોય છે અને સમયાંતરે તેઓ જરૂરિયાત મુજબ પાસવર્ડ પણ બદલતા હોય છે. જેની જાણ એકબીજાને પણ કરવાની હોતી નથી. કંપનીમાંથી આપવામાં આવેલા રૂપિયા એટીએમમાં પૂરતા જમા થાય છે તે માટે કંપની દર ત્રણ મહિને ઓડિટ રિપોર્ટ કરતી હોય છે. ગઇકાલે ટીમ નંબર ર૬નો ઓડિટ રિપોર્ટ રાખવામાં આવ્યો હતો, જેમાં ઓડિટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા રાજેશભાઇ ઓઝા તેમની ટીમને લઇ સોનુ ગુપ્તા સાથે એટીએમમાં ઓડિટ કરવા માટે ગયા હતા. જમાલપુર બ્રિજ પાસે આવેલ આઇસીઆઇસીઆઇ બેન્કનું એટીએમ ઓડિટ કરતા હતા ત્યારે પુર્વિશ ચૌધરી પણ ત્યાં આવી ગયો હતો. પુર્વિશ અને સોનુ ગુપ્તા સામે એટીએમ ચેક કર્યું હતું, જ્યાં કોઇ પણ રૂપિયાની ઉચાપત નહીં થઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાજેશભાઇ ઓઝા અને સોનુ ગુપ્તા કારમાં બેસીને અન્ય એટીએમનું ઓડિટ કરવા માટે ગયા હતા જ્યારે પુર્વિશ તેનું બાઇક લઇને એટીએમ પર જવા માટે નીકળ્યો હતો. પુર્વિશની બાઇકમાં પંચર પડ્યું હોવાનું બહાનું કાઢીને તે છટકી ગયો હતો જ્યારે રાજેશભાઇએ સોનુ ગુપ્તાને સાથે રાખીને ર૭ બેન્કના એટીએમ ચેક કર્યાં હતાં, જેમાં રૂ.૧.૩૯ કરોડની ઉચાપત કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એટીએમમાં રૂપિયા જમા કરાવવાના બહાને ૧.૩૯ કરોડની ઉચાપત મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(6:50 pm IST)