ગુજરાત
News of Saturday, 9th June 2018

અમદાવાદના ત્રાગડ પાસે ભેખડ ઘસી પડતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત:1ને ઇજા

અમદાવાદ:ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ પાસે સ્પંદન હાઇટ્સ નામની સાઇટ પર બહમાળી બિલ્ડીગ બની રહી હતી, જ્યાં આજે સવારે ભેખડ ધસી પડતાં ચાર લોકો દટાયા હતા. જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા જ્યારે એક મજૂરને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સાબમતી પોલીસે એફએસએલની મદદની તપાસ હાથ ધરી છે, તપાસ દરમિયાન કસૂરવાર સાબિત થશે તો બિલ્ડરો સામે બેદરકારીનો ગુનો નોધવામાં આવશે.

ત્રાગડ ગામ પાસે સ્પંદન હાઇટ્સ નામની સાઇટ પર બહુમાળી બિલ્ડીગની કામગીરી ચાલી રહી હતી. જેમાં આરસીસીના પાંચ પિલ્લર ફરતે દિવાલ બનાવવામાં આવી હતી. આજે સવારે મજૂરો સેન્ટીગની પ્લેટો ફેરવી રહ્યા હતા આ સમયે અચાનક ભેખડ ધસી પડી હતી.

જેના કારણે ચાર મજૂરો દટાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને દટાયેલા લોકોને બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં મૂળ દાહોદના રૃપાસિંગ સબુરભાઇ પટેલ (ઉ.વ.૫૫) અને તેમના પુત્ર રમેશભાઇ પટેલ (ઉ.વ.૩૫) તેમજ ભીમાભાઇ પ્રતાપભાઇ પટેલનુૂં મોત થયું હતું. જ્યારે અભયસિંગ મૂળાભાઇ પટેલને ગંભીર ઇજા થતાં તે હાલ સારવાર હેઠળ છે.

(5:19 pm IST)