ગુજરાત
News of Saturday, 9th June 2018

બોરસદના ભાદરણિયા નજીક બોરકૂવા બાબતે બે પરિવારો બાખડ્યા

બોરસદ:તાલુકાના ભાદરણીયા ગામે આવેલી વડ તલાવડી સીમમાં સહિયારા બોરકુવા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં બેને દાંતી મારીને ઘાયલ કર્યા હતા. આ અંગે ભાદરણ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે.

 


મધુબેન મનહરભાઈ ઠાકોરે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ઘર આગળ સસરાના કુટુંબીજનોનો સહિયારો બોરકુવો આવેલો છે જે બોરકુવાના પાણીનો હોજ બનાવેલ હોય, બોરકુવાનું પાણી ચીમનભાઈ રણછોડભાઈ ઠાકોરના ખેતરમાં ચાલુ હોય મધુબેનના પુત્ર જયંતિભાઈ પાણી જોવા માટે હોજ ઉપર ચઢ્યા હતા જેથી ચીમનભાઈએ ગમે તેવી ગાળો બોલતા મધુબેને ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ચીમનભાઈ એકદમ ગુસ્સે ભરાઈને ઘરેથી દાંતી લઈ આવ્યા હતા અને એકદમ મારવા જતા મધુબેને ડાબો હાથ આગળ કરી દેતાં કાંડાના ભાગે દાંતી વાગતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. મુકેશભાઈ મનહરભાઈ ઠાકોર વચ્ચે છોડાવવા પડતાં કાનજીભાઈ શનાભાઈ ઠાકોર, જયેશભાઈ ચીમનભાઈ ઠાકોર તથા શંકરભાઈ કનુભાઈ ઠાકોરે ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સામા પક્ષે સવિતાબેન ચીમનભાઈ ઠાકોરે ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યું હતુ કે, કાનજીભાઈના ખેતરમાં જતુ પાણી બંધ થઈ જવા પામ્યું હતુ. જેથી સવિતાબેન તથા કાનજીભાઈ જોવા માટે ગયા હતા જ્યાં મનહરભાઈને પુછતાં તેઓએ જણાવ્યું હતુ કે, હોજનું બારું મે બંધ કર્યું છે તેમ જણાવીને ગાળો બોલતા બુમરાણ મચી જવા પામી હતી. સવિતાબેનના પતિ ચીમનભાઈ બુમરાણ સાંભળીને આવી પહોંચતા જયંતિભાઈએ દાંતી વીંઝતા ડાબા હાથે વાગી જવા પામી હતી. લાલજીભાઈએ લાકડાનો ડંડો કાનજીભાઈને ડાબા પગે ઢીંચણ ઉપર મારી દીધો હતો. મધુબેન તથા ગણપતભાઈ દ્વારા ગમે તેવી ગાળો બોલીને સવિતાબેનને તથા ઘરના સભ્યોને કુવા ઉપર આવશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી.

(5:19 pm IST)