ગુજરાત
News of Saturday, 9th June 2018

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે સુવાળુ ઉતરાવીને મુંડન કરાવ્યું

કોંગ્રેસના ૧૪ કોર્પોરેટરોએ કોંગ્રેસના મેન્ડેટનો અનાદર કરતા રોષઃ ફોટા ઉપર જૂતાનો હાર પહેરાવ્યો

પાટણ, તા. ૯ :. પાટણના ધારાસભ્ય ડો. કીરીટ પટેલે સુવાળુ ઉતરાવી મુંડન કરાવ્યું. કોંગ્રેસના ૧૪, કોર્પોરેટરો ભાજપના સહકારથી નગરપાલિકાના પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ વકીલ કોંગ્રેસના એ પગલુ ભરતા અને કોંગ્રેસ સાથે ગદ્દારી કરતા આક્ષેપ કરી, આજે સાંજે ૬ વાગ્યે બેસણુ રાખવામાં આવેલું. જેમા ૧૪ કોર્પોરેટરોએ કોંગ્રેસના મેન્ડેટનો અનાદર કરતા તેમના વિરોધમાં આ બેસણુ રાખેલ. ૧૪ કોર્પોરેટરોના ફોટાઓ લગાવી તેમના ઉપર ખાસડાનો હાર પહેરાવી તેમનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

બેસણામાં કોંગ્રેસના ૨૦ કોર્પોરેટરો સફેદ કપડામાં તેમજ સફેદ ખેસ અને મહિલાઓ સફેદ સાડી પહેરી આવ્યા હતા. બેસણામાં આવતા કોંગ્રેસના કાર્યકરો માથે ખેસ નાખી રોતા-રોતા આવતા હતા અને પાણીનો ખરખરો કરતા હતા.

આ પ્રસંગે પાટણ કોંગ્રેસના ધારાસભ્યશ્રીએ મુંડન કરાવી બેસણાનું આબેહુબ દ્રશ્ય ખડુ કર્યુ હતું. પાટણ શહેર કોંગ્રેસના પ્રમુખ અને જેમના નામનુ સત્તાવાર મેન્ડેટ આપ્યુ હતુ તે લાલેશ ઠક્કર પાટણ જી. કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ, પૂર્વ પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ, ભાવીક રામી, ભરત ભાટીયા, અતુલ પટેલ, હાર્દિક પટેલ, હંસાબેન પરમાર, મુમતાઝ શેખ સહિત તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

ધારાસભ્યશ્રી ડો. કીરીટ પટેલે મીડીયા સમક્ષ જણાવ્યુ હતુ કે, પાટીદાર આંદોલનમાં ચુંટાઈ આવેલા કોર્પોરેટરોએ કોંગ્રેસ પાર્ટી અને પાટીદાર સમાજ મતદારો સાથે ગદારી કરી છે. આ ૧૪ કોર્પોરેટરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કોર્ટમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.(૨-૧૭)

(4:12 pm IST)