ગુજરાત
News of Saturday, 9th June 2018

જુન-જુલાઈમાં લગ્નના ૯ મૂહુર્તો, બાકીના લગ્ન દિવાળી પછી

૧૬ જુલાઈથી ૧૨ ડીસેમ્બર સુધી સળંગ પાંચ મહિના લગ્નોત્સવને બ્રેકઃ કારતક મહિનામાં લગ્નનું એકેય મુહુર્ત નહિઃ ડીસેમ્બરમાં બે જ મુહુર્ત

રાજકોટ, તા. ૯ :. હવે પરસોતમ મહિનાના ૫ દિવસ બાકી રહ્યા છે. તા. ૧૩મીએ પરસોતમ મહિનો પુરો થતા રાબેતા મુજબના જેઠ મહિનાનો પ્રારંભ થશે. હવે પછીના મહિનામાં લગ્નોત્સવની ઝલક જોવા મળશે. તા. ૧૮ જૂનથી ૧૫ જુલાઈ વચ્ચે લગ્નના ૯ મુહુર્તો છે. એક પરિવારમાં બે પ્રસંગ ભેગા હોય તો તેના માટે અલગ ચાર મુહુર્તો છે, ત્યાર બાદ સળંગ પાંચ મહિના જેટલો સમય લગ્નોત્સવને બ્રેક લાગશે.

શાસ્ત્રી શ્રી લલિતકુમાર લાભશંકરભાઈ ભટ્ટના કથન મુજબ જૂન મહિનામાં તા. ૧૮, ૨૩ અને ૨૯ના રોજ લગ્નના મુહુર્તો છે. જુલાઈ મહિનામાં તા. ૨, ૫, ૬, ૭, ૧૦ અને ૧૫ ના રોજ લગ્નના મુહુર્તો નિકળ્યા છે. ૧૫ જુલાઈ અષાઢ સુદ ત્રીજ તે ચાલુ મોસમના લગ્નોત્સવનું છેલ્લુ મુહુર્ત છે. ત્યાર બાદ સંવત ૨૦૭૫માં એટલે કે દિવાળી પછી લગ્નના મુહુર્ત આવે છે. દશેરાએ સિદ્ધ મુહુર્તો પૈકીનું એક મુહુર્ત છે. તે દિવસે પંચાંગ જોયા વિના પણ કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. દર વર્ષે દેવદિવાળી પછી કારતક મહિનામાં લગ્નોત્સવની મોસમ શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વખતે કારતક મહિનામાં લગ્નનું એક પણ મુહુર્ત નથી. ૧૫ જુલાઈ પછી સીધુ શાસ્ત્રોકત નવા વર્ષમાં ૧૨ ડીસેમ્બરે લગ્નનું મુહુર્ત છે. ૧૨ અને ૧૩ ડીસેમ્બરના બે મુહુર્ત બાદ કમુહુર્તા બેસશે. ત્યાર બાદ લગ્નોત્સવનો નવો તબક્કો પોષ સુદ બારસ ૧૮ જાન્યુઆરીથી શરૂ થશે.(૨-૧૮)

(6:14 pm IST)