ગુજરાત
News of Saturday, 9th June 2018

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું હવામાન પલટાયું : વહેલી સવારે અનેક વિસ્તારોમાં પડ્યા અમી છાંટા : વાદળછાયું વાતાવરણ પથરાયું : ગરમીથી મળી આંશીક રાહત

અમદાવાદ : મુંબઇમાં વરસાદના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે હવે ગુજરાતીઓ વરસાદની મીટ માંડીને રાહ જોઇ રહ્યા છે. આગામી થોડા જ દિવસોમાં જ ગુજરાતમાં વરસાદ પડવાની પણ આગાહી છે. જોકે, અત્યારેના દિવસોમાં ગુજરાતના લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. જોકે, શુક્રવાર મોડી રાત્રે અને શનિવારે વહેલી સવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેના પગલે આ વિસ્તારોમાં હળાવ વરસાદી છાંટા પડ્યા છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના આ વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ, ભાવનગર અને વલસાડ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બન્યું છે. શનિવારે વાતાવરણમાં થયેલા પલટાના કારણે વાપી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. વરસાદી છાંટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હળવા વરસાદ પડવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો શુક્રવારે મોડી રાતથી જ વાતાવરલણમાં પલટો જોવા મળ્યો હતો. રાજકોટના જેતપુર, વિરપુર સહિતના આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં થયેલા પલટાના કારણે વરસાદી છાંટા પડ્યા હતા. આમ નજીક આવતા વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ભાવનગર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભાવનગર સહિતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો થતાં ઠંડક પ્રસરી છે જેથી લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.

(11:44 am IST)